ડાંગઃ અત્યારના યુવાધનમાં સેલ્ફી લેવાનો ક્રેઝ જોરદાર રીતે વધી રહ્યો છે. સેલ્ફી લેવા માટે લોકો મોતના મુખ સુધી પણ જતા રહે છે. કેટલીક વખત સેલ્ફીના લેવાના ચક્કરમાં લોકો પોતાનો જીવ ગુમાવે છે. આવા અનેક કિસ્સાઓ છાસવારે બનતા રહે છે. લોકો પ્રવાસમાં નીકળે ત્યારે પ્રવાસન સ્થળો ઉપર સેલ્ફી પાડવાનું ક્યારે ચુકતા નથી. ત્યારે ગુજરાતનો એક એવો જિલ્લો છે જ્યાં સેલ્ફી લેવી એ ક્રિમિનલ ઓફેન્સ ગણવામાં આવી રહ્યો છે. અધિક કલેક્ટર દ્વારા આ નિયમ સેલ્ફીથી થતાં અકસ્માતોને રોકવા માટે લેવામાં આવ્યો છે.
આ અંગે વાત કરીએ તો ગુજરાતમાં આવેલા ડાંગ જિલ્લાના અધિક કલેક્ટરે અકસ્માતો નિવારવા માટે જિલ્લાનાં તળાવો, નદીઓ અને ધોધ પર ચોમાસા દરમિયાન સેલ્ફી પર પ્રતિબંધ લગાવ્યો છે. નોંધનીય છે કે, સેલ્ફી લેવાના ચક્કરમાં અનેક લોકો પોતાનો જીવ ગૂમાવી ચૂક્યા છે. સાપુતારા સહિત ડાંગ જિલ્લાના તમામ પ્રતિબંધિત સ્થળોએ સેલ્ફી લેનાર વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી થશે. આ મહત્વનો નિર્ણય ચોમાસા દરમિયાન થતાં અકસ્માતો નિવારવા અને લોકોની સલામતી માટે લેવાયો છે.
ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ડાંગ જિલ્લાનાં ગામડામાં રોજેરોજ ધીમી ધારનાં વરસાદી માહોલનાં પગલે ચોમાસાની ઋતુ જામી છે. ડાંગના ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ, સુબિર સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકનાં ગામોમાં બુધવારે પણ દિવસભર વરસાદી હેલીઓ યથાવત રહેતા ચોમાસુ જામ્યું છે.
સાપુતારા સહિત આહવાની તળેટીય જંગલ વિસ્તારમાં વરસાદી માહોલની સાથે ગિરિકન્દ્રાઓ ઉપર ગાઢ ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ જતા પ્રકૃતિ ખીલી ઉઠી હતી. જેમાંય વરસાદી માહોલનાં પગલે આહવા-સાપુતારા માર્ગનો શિવઘાટ ધોધ પણ સક્રીય થતા પ્રકૃતિમાં સુંદરતાનું પીછું ઉમેરતા અહીંથી પસાર થતા વાહનચાલકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.