સુરેન્દ્રનગરઃ સામાન્ય રીતે લગ્ન પ્રસંગે અથવા જન્મદિવસની પાર્ટીઓમાં જાહેરમાં ફાયરિંગ કરવાની ઘટનાઓ બનતી રહે છે. પરંતુ સુરેન્દ્રનગરમાં હાઈવે ઉપર આવેલી એક હોટલમાં એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. આ વ્યક્તિએ ફાયરિંગ કેમ કર્યું એ અંગે હજી સુધી કોઈ કારણ જાણવા મળ્યું નથી. આ ઘટના બે દિવસ પહેલા બની હોવાની માનવામાં આવે છે.
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર સાયલામાં નેશનલ હાઇવે પર 10મી માર્ચની ઘટના છે. આ શખ્સ વીડિયોમાં જોવા મળે છે તે મુજબ હોટલમાં પ્રવેશ મેળવે છે અને ત્યારબાદ બંદૂક બતાવી અને પ્રવેશ મેળવે છે અને ત્યારબાદ હવામાં ફાયરિંગ કરી દે છે. આ બનાવ અંગે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ કેસ દાખલ કરવામાં આવ્યો હોવાની માહિતી નથી.
પોલીસ દ્વારા આ અંગે નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ઝાલાવાડ પંથકમાં હથિયાર સંબંધી ઘટનાઓ સામાન્ય છે. અહીંયા લોકો પાસે ખાનગી હથિયારોની સંખ્યા ખૂબ છે. સામાન્ય રીતે હથિયાર વધારે હોવાથી આ પ્રકારની ઘટનાઓ છાશવાર બનતી રહે છે.
દરમિયાન આ વીડિયોએ ભારે ચકચાર જગાવી છે, જોકે, આ ઘટનામાં કોઈ ઇજાગ્રસ્ત થયું હોવાના અહેવાલ નથી પરંતુ કાયદેસર હથિયારોથી પણ આ પ્રકારે ફાયરિંગ કરવું ગુનો બનતો હોય છે ત્યારે ખાનગી હથિયારોના પ્રકારના દુરઉપયોગના કારણે જિલ્લામાં વીડિયો ખૂબ વાયરલ થયો છે. પોલીસ આ મામલે કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું જ રહ્યું.
દરમિયાન આ ઘટનાને 48 કલાક વીતી ગયા હોવા છતાં અને વીડિયો વાયરલ થયો હોવા છતાં પોલીસે વ્યક્તિને શોધવાની જ તસ્દી નથી લીધી પરંતુ સુરેન્દ્રનગરની આ ઘટનામાં ફાયરિંગ કરનાર શખ્સનું આ હથિયાર લાયસન્સવાળું છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે. જોકે, હવે સમગ્ર મદાર પોલીસની કાર્યવાહી પર છે.