Gujarat:“કોળીયા કૂટાય અને ઢોડીયા ચૂંટાય”: કનુ દેસાઈની અવળી વાણીથી કોળી સમાજમાં ફાટી નીકળ્યો રોષ
ગુજરાતના નાણામંત્રી અને વલસાડની પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈને લઈ વલસાડ લોકસભા સીટનું રાજકારણ ગરમાયું છે.કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલાનાં ક્ષત્રિયો અંગેના નિવેદન વિશે ક્ષત્રિય સમાજનો રોષ શાંત થયો નથી ત્યાં તો નાણામંત્રી કનુભાઈ દેસાઈના કોળી અને ઢોડીયા અંગેને નિવેદનને ભારે વિવાદ અને હોબાળો મચી ગયો છે. કોંગ્રેસે કનુભાઈ દેસાઈની માફીની માંગ કરી છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા કથિત વીડિયોમાં કનુભાઈ દેસાઈ એવું કહેતા સંભળાય છે કે પહેલેથી જ જ્યારે ઉત્તમભાઈનું રાજ હતું ત્યારથી કહેવાતું કે કોળી કૂટાય અને ઢોડીયા ચૂંટાય. આ વીડિયો લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન જાહેરસભાનું હોવાનું કહેવાય છે. કનુભાઈ જાહેરસભાને સંબોધી રહ્યા હતા.
આ દરમિયાનમાં કોંગ્રેસના નેતાએ જાહેર મંચ પરથી કનુભાઈ દેસાઈના નિવેદનની ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યું કે ભાજપના નેતાઓની ડાગળી છટકી ગઈ છે.બાન ભૂલ્યા છે. સમાજની માન મર્યાદ ભૂલી ગયા છે.
તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજ અંગે બોલ્યા હવે આપણા સમાજ માટે બોલ્યા કે કોળીયા કૂટાય છે અને ઢોડીયા ચૂંટાય છે.
તેમણે કનુભાઈ દેસાઈને પોતાની વાણીને પાછી ખેંચવાની જાહેરમાં માંગ કરી છે અને જો નહીં ખેંચે તો તેમની સામે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. જો માફી નહીં માંગે તેમની સામે દેખાવો કરાશે. જો કોળી એક થશે તો તમે ક્યાંયના રહેવાના નથી. તેમણે કોંગ્રેસના વલસાડના ઉમેદવાર અનંત પટેલને વોટ આપવા અપીલ પણ કરી હતી.