અમદાવાદ : દેશમાં ચોમાસું જ 5 દિવસ આગળ પાછળ ચોમાસુ શરૂ થવાનું અનુમાન હતું. જોકે ચોમાસાના આગમનને લઈ ગતિવિધિઓ સાનુકૂળ હતી પરંતુ પશ્ચિમ પવન નબળા પડતા ચોમાસુ 31 મે ના બદલે હવે 3 જૂનના રોજ બેસે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. કેરળમાં ચોમાસાની શરૂઆત બાદ ચોમાસુ દેશના અન્ય ભાગ તરફ આગળ વધે છે. ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે.
હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહન્તીએ જણાવ્યું છે કે ગુજરાત ચોમાસાની સતાવાર શરૂઆત 15 જૂનથી થાય છે. ચોમાસાનો વરસાદ કેરળમાં શરૂ થયા બાદ ગુજરાતમાં આવે છે. એટલે ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે ચોમાસાના આગમનનું અનુમાન છે. ગુજરાતમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે. તેમજ અરબી સમુદ્રમાંથી દક્ષિણ ગુજરાત સુધી એક સિસ્ટમ (ટ્રાફ) છે જેને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
આગામી 5 દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગમાં 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. તો 3 અને 4 જૂનના રોજ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર, રાજકોટમાં 3 અને 4 જૂને વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 31 મે થી 6 જૂન વચ્ચે ગુજરાતના વાતાવરણ મોટા ફેરફાર થશે. અનેક વિસ્તારમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાલનપુર, મધ્ય ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ, અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થશે. જોકે ચોમાસાના આગમન પહેલા વાતાવરણમાં ફેરફાર થતા હોય છે.
વાતાવરણ વારંવાર પલટો, કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. કૃષિ પાકને મોટું નુકસાન પહોચ્યું છે. જોકે હવે ચોમાસુ સારું રહે તેવી જગતનો તાત આશા રાખી રહ્યો છે. હવામાન વિભાગે પણ દેશમાં ચોમાસુ સામાન્ય રહેવાનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે અને દેશમાં 98 ટકા વરસાદનો અંદાજ છે.
મે મહિનામાં પણ વારંવાર વાતાવરણ પલટો આવ્યો છે કારણે તાપમાન સામાન્ય રહ્યું છે પરંતુ હવામાં ભેજના કારણે બફારથી લોકો પરેશાન થઈ રહ્યા છે. હવે ચોમાસાનો વરસાદ સમયસર આવે તેની રાહ જોઇ રહ્યા છે.