નવી દિલ્હી : દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ 30 મે, રવિવારે કહ્યું હતું કે, દિલ્હી સરકારે કર્મચારીઓને પગાર ચૂકવવા માટે કેન્દ્ર પાસેથી પાંચ હજાર કરોડ રૂપિયાની સહાય માંગી છે. સિસોદિયા પાસે નાણાં વિભાગનો હવાલો પણ છે. સિસોદિયાએ કહ્યું કે, દિલ્હી સરકારને તેના કર્મચારીઓના પગાર અને અન્ય જરૂરીયાતોને પહોંચી વળવા દર મહિને 3,500 કરોડ રૂપિયાની જરૂર પડે છે.
સિસોદિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, જોકે છેલ્લા બે મહિનામાં જીએસટી કલેક્શન દર મહિને માત્ર 500 કરોડ રૂપિયા રહ્યું છે. અમારા કર્મચારીઓના પગાર ચૂકવવા માટે અમને ઓછામાં ઓછા સાત હજાર કરોડ રૂપિયાની જરૂર છે, જેમાંથી ઘણા કોરોના વાયરસ રોગચાળા સામે ફ્રન્ટ લાઇન જવાબદારી નિભાવી રહ્યા છે. પત્ર લખીને લેખિતમાં તેમણે કેન્દ્ર સરકાર પાસે પાંચ હજાર કરોડ રૂપિયાની માંગણી કરી છે કારણ કે દિલ્હીને આપત્તિ રાહત ભંડોળમાંથી કશું મળ્યું નથી, જ્યારે અન્ય રાજ્યોને મળ્યું છે.