છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરમાં લોકોને હાર્ટ-એટેક આવવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતના
નવસારી નજીક આવેલા પરતાપોર ગામમાં આવેલી એબી સ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિનીનું હાર્ટ-એટેકને કારણે મોત નીપજતાં અરેરાટી ફેલાઈ છે.વિદ્યાર્થિની આજે શાળામાં રિસેસ દરમિયાન સીડી ચડી રહી હતી ત્યારે જ અચાનક ઢળી પડી હતી. શાળાના શિક્ષકો તેને હોસ્પિટલ લઈ જતાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
એબી સ્કૂલમાં ધોરણ 12 સાયન્સ ઈંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતી તનિષા ગાંધી આજે દરરોજની માફક સવારે શાળા પર આવી હતી. 10 વાગ્યે રિસેસ પડ્યા બાદ તનિષા તેની બહેનપણીઓ સાથે સીડી ચડી રહી હતી ત્યારે જ અચાનક તેની તબિયત બગડી હતી અને ઢળી પડી હતી.