ગાજિયાબાદ તા.18 : રાહુલ ગાંધીને ગાઝિયાબાદના એક માર્કેટિંગ મેનેજરે 100 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલ્યો છે. મેનેજરનું કહેવું છે કે રાહુલે એક રેલીમાં પોતાનો ફાટેલો કુર્તો બતાવ્યો હતો. રાહુલની સાદગી જોઇને તેઓને ગર્વ સાથે દુઃખની લાગણી પણ થઇ. તેમણે કુર્તો સિવડાવવા માટે રાહુલને 100 રૂપિયા મોકલ્યા છે. ઉલ્લેખનીય છે કે ઋષિકેશમાં રાહુલે પોતાનો ફાટેલો કુર્તો બતાવીને મોદી પર નિશાન તાક્યું હતું. આ વ્યક્તિનું નામ મુકેશકુમાર મિત્તલ છે. તેઓ એક ફાઇનાન્સ કંપનીમાં કામ કરે છે.
મળેલી માહિતી અનુસાર, મુકેશે સેન્ટ્રલ બેન્ક ઑફ ઇન્ડિયાની શાખામાંથી 100 રૂપિયાનો એક ડિમાન્ડ ડ્રાફ્ટ (ડીડી) બનાવડાવ્યો છે.ત્યારબાદ તેમણે મંગળવારે આડીડી રાહુલ ગાંધીને સ્પીડ પોસ્ટ કરી દીધો.ડીડી સાથે રાહુલને મોકલેલા પત્રમાં મુકેશે લખ્યું છે કે, “16 જાન્યુઆરીએ ઋષિકેશની જનસભામાં દેશના આટલા મોટાનેતા દ્વારા પોતાનો ફાટેલો કુર્તો લોકોને બતાવવાની સાદગી પર મને ગર્વની સાથે સાથે ઘણું દુઃખ પણ થયું.”“હું કુર્તો સિવડાવવા માટે 100 રૂપિયા મોકલી રહ્યો છું. આશા રાખું છું કે તમે મારી આ નાનકડી ભેટનો સ્વીકાર કરશો અને તમારો કુર્તો જરૂર સિવડાવી લેશો.”