દક્ષિણ સ્પેનમાં એક સદી કરતા વધુ સમયનો સૌથી ખરાબ વરસાદ થતાં ભારે પૂર આવતા વ્યાપક ખાનાખરાબી સર્જાઇ હતી. ગઇ રાત્રે પડેલા તોફાની વરસાદને કારણે વેલેન્સીઆ પ્રદેશમાં પૂર સર્જાયા હતા અને ધસમસતા પાણીમાં મોટરકારો પણ તણાઇ જવાની ઘટના બની હતી. વેલેન્સીઆથી ૬૦ માઇલ દૂર આવેલા કુડેટમાં એક રસ્તા પર એક કાર પાણીમાં ઉંધી વળી જતાં ૭૦ની આસપાસની વય ધરાવતા એક વયોવૃધ્ધ પતિ-પત્નીનું મૃત્યુ થયું હતું.
મોઇક્સેન્ટ અને ઓન્ટીયેન્ટ નગરોમાંથી મળેલા વીડિયો દર્શાવતા હતા કે પાણીમાં કારો ફસાયેલી છે અને લોકો પાણીના પ્રવાહની સામે ઝઝૂમી રહ્યા છે. મજોરીઆ જઇ રહેલ ત્રણ કન્ટેઇનર લોરીઓ પણ ઉંઘી વળી ગઇ હતી. ભારે વરસાદને કારણે વેલેન્સીઆ પ્રદેશમાં આજે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવતા અઢી લાખ બાળકો શાળાએ જઇ શક્યા ન હતા.