- 121 વર્ષ પહેલાં અંગ્રેજોના શાસનકાળમાં વડ વૃક્ષને સજા આપવામા આવી હતી, જે આજે પણ કાયમ છે.
- ઓફિસર જેમ્સ સ્ક્વીડે દારૂના નશામાં ઝાડને કેદ કરવાનો આદેશ આપ્યો હતો
- કદાચ આ દુનિયાની સૌથી લાંબી કેદ છે, જે માત્ર શંકાના આધારે થઈ હોય અને તેના માટે કોઈ સુનાવણી પણ ન થઈ હોય
લાહોર: આજથી 121 વર્ષ પહેલા પાકિસ્તાનના ખેબર પખ્તુનખ્વાહમાં આવેલા એક વડના વૃક્ષને શંકાના આધારે સાંકળ વડે બાંધી કેજ કરવામાં આવ્યું હતું. અંગ્રેજોના શાસનકાળમાં વડ વૃક્ષને સજા આપવામા આવી હતી, જે આજે પણ કાયમ છે.
આ વાત વર્ષ 1898ની છે જ્યારે પાકિસ્તાન ભારતનો ભાગ હતો. આ ઝાડને કેદ કરવા પાછળની કહાની કઈક આવી છે. ખેબર પખ્તુનખ્વાહમાં આર્મી કેન્ટોન્મેન્ટમાં રહેતા એક ઓફિસર જેમ્સ સ્ક્વીડે દારૂનો વધારે નશો કરી લીધો હતો. નશામાં મસ્ત થઈને તેઓ પાર્કમાં ફરી રહ્યા હતા. અચાનક તેમને એવો આભાસ થયો કે વડનું ઝાડ તેમના પર હુમલો કરીને તેમનો જીવ લેવા માટે આગળ આવી રહ્યું છે.
આવો આભાસ થયા બાદ જેમ્સે તેમની ટીમને ઓર્ડર આપ્યો કે આ ઝાડને તરત કેદ કરવામાં આવે. ત્યારબાદ ફરજ અદા કરી રહ્યા સૈનિકોએ ઝાડને સાંકળ બાંધીને કેદ કર્યું હતું. જેમ્સને થોડા સમય પછી તેમણે ઝાડ સાથે દુર્વ્યવહાર કરવાનો અહેસાસ થયો હતો પરંતુ, તો પણ જેમ્સે ઝાડની સાંકળ ખોલવાના આદેશ આપ્યા ન હતા. તેના પાછળનું કારણ એ હતું કે, જેમ્સ ત્યાના લોકોને સમજાવવા માગતા હતા કે, અંગ્રેજોની વિરુદ્ધ જવાથી તે લોકોની પણ આવી હાલત થશે.
ઝાડ પર આજે પણ ‘i am under arrest’ લખેલું છે
ઝાડ પર લાગેલા એક બોર્ડ પર ‘i am under arrest’ (આઈ એમ અંડર અરેસ્ટ) લખેલું છે. આજે આ ઝાડ રુપી કેદી ઘણી ચર્ચામાં છે. દેશ અને દુનિયાભરના લોકો આ કેદ થયેલા ઝાડને જોવા માટે આવે છે. તે અંગ્રેજોના આંધળા કાયદાની યાદ અપાવે છે. કદાચ આ દુનિયાની સૌથી લાંબી કેદ છે, જે માત્ર શંકાના આધારે થઈ હોય અને તેના માટે કોઈ સુનાવણી પણ ન થઈ હોય.
અંગ્રેજોનો કાયદો આજે પણ પાકિસ્તાનમાં લાગુ
આ કેદ થયેલું ઝાડ અંગ્રેજો (બ્રિટિશર્સ)નો ક્રૂરતા ભરેલો કાયદો ‘ધ બ્રિટિશ રાજ ક્રાઈમ્સ ડ્રેકોનિયન’ ફ્રંટિયર ક્રાઈમ રેગ્યુલેશન (FCR)ને દર્શાવે છે. આ કાયદો પશ્તૂન જનજાતિના લોકોના વિરોધનો સામનો કરવા માટે બનાવ્યો હતો.
આ કાયદા અંતર્ગત અંગ્રેજોની સરકારને અધિકાર હતો કે, તેઓ પશ્તૂન જનજાતિના કોઈ પણ વ્યક્તિ અથવા પરિવાર પર કોઈ ગુનો કરવામાટે કે તેની શંકા માત્રથી તેમને દંડિત કરવામાં આવતા હતા. આ કાયદો આજે પણ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના કેટલાક ક્ષેત્રમાં લાગુ છે.