ફરીદાબાદ: યુવક-યુવતીઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાવવો સામાન્ય છે. પરંતુ ક્યારેક પ્રેમ સંબંધ લગ્નમાં ફેરવાર એ શક્ય બનતું નથી ત્યારે આવા સંબંધોનો કરુણ અંજામ પણ આવતો હોય છે. ત્યારે આવી જ એક ઘટના હરિયાણાના ફરીદાબાદમાંથી સામે આવી હતી. ફરીદાબાદના વલ્લભગઢ સેક્ટર-7 પોલીસ મથક હેઠળ આવતા એક વિસ્તારમાં એક હોટલમાં 24 વર્ષીય નર્સની યુવકે ગળું દબાવીને હત્યા કરી નાખી છે. યુવતી વલ્લભગઢના એક નર્સિંગ હોમમાં નર્સ તરીકે કામ કરતી હતી. ઘટનાની સૂચના મળ્યા બાદ પોલીસે લાશનો કબજો લીધો હતો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. હત્યાનું કારણ યુવક અને યુવતી વચ્ચે લગ્નને લઈને થયેલો ઝઘડો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન માટે દબાણ કરી રહેલા યુવાને નર્સને મળવા માટે એક હોટલ ખાતે બોલાવી હતી. અહીં હોટલના રૂમમાં જ યુવતીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. જે બાદમાં યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે.
પલવલના પહેરુ ગામની 24 વર્ષીય કવિતા મોહના રોડ સ્થિત એક ખાનગી નર્સિંગ હોમમાં નર્સ તરીકે કામ કરતી હતી. સોમવારે બપોર પછી આશરે ત્રણ વાગ્યે રજા થયા બાદ તે પલવલના ગામ નગલિયા નિવાસી પવને તેણીને સેક્ટર-7માં આવેલી એક હોટલમાં મળવા માટે બોલાવી હતી. સાંજે સાડા પાંચ વાગ્યે પવન જમવાનું લેવાના બહાને હોટલ બહાર ચાલ્યો ગયો હતો. યુવક સાંજે સાત વાગ્યા સુધી પરત ન આવતા હોટલના સંચાલકોએ દરવાજો ખોલ્યો હતો.
હોટલના કર્મચારીઓએ જોયું તો અંદર યુવતીનો મૃતદેહ પડ્યો હતો. હોટલના સંચાલકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે જોયું તો યુવતીના ગળાના ભાગે ઈજાના નિશાન હતા. જે બાદમાં પોલીસે યુવતીના પરિવારના લોકોને આ અંગેની જાણકારી આપી હતી. પોલીસે યુવતીના પિતાના નિવેદન બાદ પવન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. હાલ પવન ફરાર છે.
મૃતકના પિતાનું કહેવું છે કે પવન છેલ્લા એક વર્ષથી તેની દીકરીને પરેશાન કરતો હતો. યુવતીના પિતાના કહેવા પ્રમાણે તેમણે પવન વિરુદ્ધ પોલીસમાં અરજી પણ આપી હતી. જોકે, પોલીસની દરમિયાનગીરી છતાં પવન સુધર્યો ન હતો. પોલીસ તપાસમાં પણ એવી વાત સામે આવી છે કે પવન લગ્ન માટે યુવતીને પરેશાન કરી રહ્યો હતો. પોલીસે હોટલના સીસીટીવી ફૂટેજ પણ જપ્ત કર્યાં છે.