નવી દિલ્હીઃ ગુજરાતમાં તાઉતે વાવાઝોડાએ તબાહી મચાવી છે. તાઉતે વાવાઝોડાએ ગુજરાતમાંથી વિદાય લીધી છે અને રાજસ્થાન, ઉત્તર પ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે. જેની અસર દિલ્હી સુધી જણાઈ હતી. દિલ્હીમામં તાઉતેની અસરના પગલે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. દિલ્હીમાં આજે વહેલી સવારે વરસાદી માહોલ જામ્યો હતો. ક્યાંક વરસાદી ઝાપટું તો ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો હતો.
રાજસ્થાનમાં કયા જિલ્લામાં થશે અસર
રાજ્સ્થાન તરફ આગળ વધતુ વાવાઝોડુ નબળુ પડી ગયુ છે. જોકે રાજસ્થાનના બાંસવાડા, ભીલવાડા, ચિત્તૌડગઢ,ડુંગરપુર, કોટપુતલી, અલવર, ભરતપુર, પ્રતાપગઢ, ઉદયપુર સહિતના વિસ્તારમાં ભારે વરસાદનુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.
હવામાન વિભાગના સ્થાનિક કેન્દ્રના પ્રમુખ કુલદીપ શ્રીવાસ્તવે કહ્યુ હતું કે, ચક્રવાતી તોફાન તાઉ તે ઉત્તર ભારત તરફ આગળ વધીને દક્ષિણી રાજસ્થાનમાં વરસાદ ખાબક્યો હતો. શ્રીવાસ્તવે જણાવ્યુ હતું કે, તોફાન તાઉ તેના કારણે પૂર્વી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વી રાજસ્થાન અને દિલ્હી એનસીઆરમાં મધ્યમ સ્તરનો વરસાદ થશે. દિલ્હીના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થવાના અણસાર છે.
ભારતીય હવામાન વિભાગે રાજધાની દિલ્હીમાં બુધવારે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. સાથે જ વરસાદ અને 50-60 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. તાઉ તે વાવાઝોડાએ ગુજરાતમાં ધમરોળ્યા બાદ હવે આ રાજ્યોમાં ખતરો મંડરાઈ રહ્યો છે. આ અગાઉ પશ્ચિમી તટને ખૂબ પ્રભાવિત કરી ચુક્યુ છે.