આસામમાં ધોરણ 10 સામાન્ય વિજ્ઞાનનું પેપર લીક થવાને કારણે રદ કરવું પડ્યું હતું. પરીક્ષા શરૂ થાય તે પહેલા જ હાથથી લખાયેલું પ્રશ્નપત્ર લીક થયું હોવાનું જાણવા મળ્યું હતું. આસામના શિક્ષણ મંત્રી રનોજ પેગુએ કહ્યું કે, આસામના માધ્યમિક શિક્ષણ બોર્ડનું પ્રશ્નપત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
રવિવારે મધરાતે લગભગ 12 વાગ્યે, પેગુએ ટ્વિટર પર લખ્યું, “ચાલુ HSLC પરીક્ષાઓ હેઠળ 13 માર્ચે યોજાનાર પેપરને રદ કરવામાં આવી રહ્યું છે.” નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. SEBAના પરીક્ષા નિયંત્રક એજે સરમાએ જણાવ્યું હતું કે સામાન્ય વિજ્ઞાન વિષયનું હસ્તલિખિત પેપર કેટલાક વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યું છે અને તેને સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે વિદ્યાર્થીઓને મૂંઝવણ થઈ શકે છે.
આસામ બોર્ડે પણ આ મામલે તપાસ શરૂ કરી છે. શિક્ષણ મંત્રીના ટ્વીટ બાદ આસામ પોલીસના ડીજી જીપી સિંહે કહ્યું કે ક્રિમિનલ કેસ નોંધવામાં આવ્યો છે અને આસામ સીઆઈડી તેની તપાસ કરશે. સિંહે સવારે લગભગ 1 વાગે લખ્યું, ‘ટૂંક સમયમાં આ પ્રકારનું કામ કરનારા લોકો કાયદાની ચુંગાલમાં આવી જશે.’ તમને જણાવી દઈએ કે આસામમાં ધોરણ 10ની પરીક્ષા 3 માર્ચથી શરૂ થઈ છે અને ત્રીજું પેપર જનરલ સાયન્સનું હતું. આ પહેલા અંગ્રેજી અને ગણિતની પરીક્ષાઓ લેવામાં આવી છે.
ભૂતકાળની ભૂલ
પહેલા બે પેપરમાં કેટલીક ગેરરીતિઓ પણ બહાર આવી હતી, જે બાદ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ SEBAના સચિવને બોલાવ્યા હતા. એક શાળામાં પરીક્ષામાં કેટલીક ગેરરીતિઓ જોવા મળી હતી, જેના પછી ચોક્કસ કેન્દ્રનું પેપર રદ કરવામાં આવ્યું હતું. આ સિવાય 6 માર્ચે એક વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા ઝડપાયો હતો. બાદમાં પોલીસે તે વિદ્યાર્થીને કસ્ટડીમાં લીધો હતો. આ વર્ષે આસામમાં 4,23,000 વિદ્યાર્થીઓ HSLC પરીક્ષા આપી રહ્યા છે.