Maharashtra: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ)ના છાવણી વિસ્તારમાં બુધવારે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો. દુકાનમાં આગ લાગવાથી એક જ પરિવારના 7 લોકોના મોત થયા હતા. અસલમ દરજી નામની દુકાનમાં આ આગ લાગી હતી. બુધવારે સવારે 3 થી 4 વાગ્યાની વચ્ચે આગ લાગી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે બેટરીવાળી રિક્ષા ચાર્જિંગમાં મૂકવામાં આવી હતી. બ્લાસ્ટને કારણે દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
તે કપડાની દુકાન હોવાથી આગ બધે ફેલાઈ ગઈ હતી, જેના કારણે બે લોકોના મોત થયા હતા. તેમજ આગ બાદ શ્વાસ રૂંધાવાથી 5 લોકોના મોત થયા હતા. આ રીતે એક જ પરિવારના 7 લોકોએ જીવ ગુમાવ્યા છે.
મૃતકોમાં અસીમ વસીમ શેખ, પરી વસીમ શેખ, 30 વર્ષીય વસીમ શેખ, 23 વર્ષની મહિલા તનવીર વસીમ, 50 વર્ષની હમીદા બેગમ, 35 વર્ષીય શેખ સોહેલ અને 22 વર્ષની રેશ્મા શેખના નામ સામે આવ્યા છે.
આ ઘટના અંગે વધુ માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, છત્રપતિ સંભાજીનગરના છાણી વિસ્તારમાં એક કપડાની દુકાનમાં આગ લાગી હતી. આગની આ ઘટનામાં મૃત્યુ પામેલાઓમાં ત્રણ મહિલાઓ અને બે બાળકોનો પણ સમાવેશ થાય છે. બુધવારે સવારે 4 વાગે કપડાની દુકાનમાં લાગેલી આગથી આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આગ બીજા માળે પહોંચે તે પહેલા જ ઓલવાઈ ગઈ હતી. ઔરંગાબાદ પોલીસ કમિશનર મનોજ લોહિયાએ જણાવ્યું કે પ્રાથમિક તપાસ બાદ જાણવા મળ્યું છે કે 2 લોકોના મોત દાઝી જવાથી થયા હતા અને બાકીના 5 લોકોના મોત ગૂંગળામણને કારણે થયા હતા. તેમણે એમ પણ કહ્યું કે આગની માહિતી મળતાની સાથે જ અગ્નિશમન દળના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.