આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સંજય સિંહને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે શુક્રવારે કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ અને ED રિમાન્ડને પડકારતી તેમની અરજીને ફગાવી દીધી હતી. આ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સંજય સિંહની ધરપકડને પડકારતી અરજીનો ગુરુવારે હાઈકોર્ટમાં વિરોધ કર્યો હતો. EDએ 4 ઓક્ટોબરે સંજય સિંહની ધરપકડ કરી હતી.
કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો
સંજય સિંહની અરજી પર સુનાવણી કર્યા બાદ જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની કોર્ટે ગુરુવારે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન EDએ સંજય સિંહની અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તેમની વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ કરવામાં આવ્યો હતો, તેથી તેમની ધરપકડ કરવામાં આવી છે. EDએ કથિત દિલ્હી નીતિ કૌભાંડ કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં AAP સાંસદ સંજય સિંહની ધરપકડ કરી હતી.
EDના રિમાન્ડ 13 ઓક્ટોબરે પૂરા થયા હતા
ધરપકડ બાદ EDએ સંજય સિંહને 5 ઓક્ટોબરે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાંથી કોર્ટે સંજય સિંહને પહેલા 10 ઓક્ટોબર સુધી અને પછી 13 ઓક્ટોબર સુધી ED રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. 13 ઓક્ટોબરે ED રિમાન્ડની મુદત પૂરી થયા બાદ સંજય સિંહને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આ પછી સંજય સિંહે 13 ઓક્ટોબરે દિલ્હી હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને તેના રિમાન્ડ અને ધરપકડને પડકારી હતી, પરંતુ હવે તેમને ત્યાંથી પણ રાહત મળી નથી.