નવી દિલ્હી: ચીન અને પાકિસ્તાન સાથે સતત તણાવ વચ્ચે સરહદો પર તૈનાત કેન્દ્રીય સુરક્ષા દળો માટે આ વખતે બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે લોકસભામાં બજેટ રજૂ કરતી વખતે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) અને ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ જેવા કેન્દ્રીય દળો માટે રૂ. 1,03,802.52 કરોડ ફાળવ્યા હતા.
ગયા વર્ષની તુલનામાં તેમાં 7.1 ટકાનો વધારો કરાયો છે. ગયા વર્ષે બજેટમાં આ દળો માટે 92,848.91 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. વર્ષ 2020-2021 માટે બીએસએફને 20,729.54 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે જ્યારે ગયા વર્ષે, દળને 19,377.83 કરોડ રૂપિયા મળ્યા છે. આ બજેટમાં બીએસએફની ફાળવણીમાં 6.97 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય દળોને ભેટ
ઉલ્લેખનીય છે કે, બીએસએફ સૈનિકો પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરહદો પર તૈનાત છે અને દેશની રક્ષા કરે છે. સૈનિકો સરહદ પારથી આતંકીઓની ઘૂસણખોરી પર નજર રાખે છે. બીએસએફની એર વિંગને આ વખતે 140.15 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જે ગત વખતે 54.75 કરોડ રૂપિયા હતા.
આ વખતે આઇટીબીપીને 6567.17 કરોડ ફાળવવામાં આવ્યા છે. પાછલા બજેટમાં આઇટીબીપીને 6150.15 કરોડ રૂપિયા મળ્યા હતા. આંતરિક સુરક્ષા પર તૈનાત સીઆરપીએફને 26,197.90 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જ્યારે છેલ્લા બજેટમાં તેને 24,788.28 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.