ટીમ ઈન્ડિયાના સ્ટાર ટેસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ રવિવારે એટલે કે 14 ઓગસ્ટ 2022ના રોજ સસેક્સ માટે પોતાનું પ્રભાવશાળી પ્રદર્શન ચાલુ રાખ્યું. તેણે રોયલ લંડન વન-ડે કપમાં સરે સામેની મેચમાં બીજી સદી ફટકારી હતી. ચેતેશ્વર પૂજારાએ માત્ર 131 બોલમાં 174 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેમાં 20 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે.
ચેતેશ્વર પૂજારાની આ સ્પર્ધામાં 3 દિવસમાં બીજી સદી છે. હોવ ખાતે રમાયેલી લિસ્ટ A મેચોમાં આ સર્વોચ્ચ સ્કોર છે. તેણે ડેવિડ વિઝનો રેકોર્ડ તોડ્યો. વિઝે 2019માં હેમ્પશાયર સામે 171 રન બનાવ્યા હતા. લિસ્ટ Aમાં ચેતેશ્વર પૂજારાનો આ સર્વોચ્ચ સ્કોર પણ છે. આટલું જ નહીં આ ઈનિંગ બાદ ચેતેશ્વર પૂજારા વિરાટ કોહલી અને બાબર આઝમની ક્લબમાં સામેલ થઈ ગયો. લિસ્ટ A મેચોમાં તેની એવરેજ 55થી ઉપર છે.
ફક્ત ત્રણ બેટ્સમેન (માઈકલ બેવન, વિરાટ કોહલી અને બાબર આઝમ) લિસ્ટ A મેચમાં તેમના કરતા વધુ સરેરાશ ધરાવે છે. તમને જણાવી દઈએ કે આ રેકોર્ડમાં ફક્ત તે જ બેટ્સમેન સામેલ છે જેમણે 100 કે તેથી વધુ લિસ્ટ A ઈનિંગ્સ રમી છે. આ મામલામાં ઓસ્ટ્રેલિયાના માઈકલ બેવન નંબર વન પર છે.
માઇકલ બેવને તેની કારકિર્દી દરમિયાન 385 લિસ્ટ A ઇનિંગ્સમાં 57.86ની સરેરાશથી 15103 રન બનાવ્યા હતા. બીજા નંબર પર વિરાટ કોહલી છે. કોહલીએ 286 ઇનિંગ્સમાં 56.50ની એવરેજથી 13786 રન બનાવ્યા છે. બાબર આઝમે અત્યાર સુધીમાં 150 લિસ્ટ A ઇનિંગ્સમાં 56.16ની એવરેજથી 7358 રન બનાવ્યા છે. તે જ સમયે, ચેતેશ્વર પૂજારાએ હવે 106 લિસ્ટ A ઇનિંગ્સમાં 55.95ની સરેરાશથી 4812 રન બનાવ્યા છે.
રોયલ લંડન વન-ડે કપમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ચેતેશ્વર પૂજારા બીજા નંબર પર પહોંચી ગયો છે. તેણે 5 મેચમાં 91.75ની એવરેજથી 367 રન બનાવ્યા છે. જેમાં તેની બે સદી સામેલ છે. તેણે અત્યાર સુધીમાં 33 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા છે.
જ્યારે ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પુજારા ક્રીઝ પર આવ્યો ત્યારે સસેક્સે માત્ર 9 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી પૂજારાએ ટોમ ક્લાર્ક સાથે મળીને સ્કોર 214 રન સુધી પહોંચાડ્યો હતો. ક્લાર્કના આઉટ થયા બાદ પૂજારાએ આગેવાની લીધી અને પાવરહિટિંગનું પ્રદર્શન કર્યું.
ચેતેશ્વર પૂજારા 48મી ઓવરમાં પેવેલિયન પરત ફર્યો હતો. તેણે ઝડપી બોલર મેટ ડન, કોનોર મેકક્રીરી અને રેયાન પટેલ ઉપરાંત સ્પિનરો અમર વિરદી અને યુસેફ મજીદ પર પણ સિક્સર ફટકારી હતી.
સસેક્સે રોયલ લંડન કપ ODI ચેમ્પિયનશિપમાં સરે સામે 50 ઓવરમાં 6 વિકેટે 378 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા સરે 31.4 ઓવરમાં 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે સસેક્સે 216 રનની મોટી જીત હાંસલ કરી હતી.
લેસ્ટરના ગ્રેસ રોડ ગ્રાઉન્ડ પર લેફ્ટ સ્પિનર કૃણાલ પંડ્યા વોરવિકશાયરનો સૌથી સફળ બોલર હતો. તેણે અન્ય લિસ્ટ A મેચમાં લિસેસ્ટરશાયર સામે 69 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. લેસ્ટરે 50 ઓવરમાં આઠ વિકેટે 338 રન બનાવ્યા હતા. પંડ્યાએ લુઈસ કિમ્બર (78), દક્ષિણ આફ્રિકાના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ વિયાન મુલ્ડર (68) અને એરોન લિલી (33)ને આઉટ કર્યા હતા.
ભારતના અનુભવી ટેસ્ટ ફાસ્ટ બોલર ઉમેશ યાદવે મિડલસેક્સ માટે શાનદાર બોલિંગ કરતા 10 ઓવરમાં 58 રન આપીને બે વિકેટ લીધી હતી. તેણે સમરસેટના ઓપનર એન્ડ્રુ ઉમેદ (10) અને કેપ્ટન જેમ્સ રયુ (114)ને પેવેલિયન મોકલ્યા હતા. ઉમેશે અત્યાર સુધી ચાર મેચમાં 13 વિકેટ ઝડપી છે.
સમરસેટે 50 ઓવરમાં છ વિકેટે 335 રન બનાવ્યા હતા. કેન્ટ તરફથી રમતા ભારતીય ઝડપી બોલર નવદીપ સૈનીને કોઈ વિકેટ મળી ન હતી. નોર્થમ્પટનશાયરની ટીમ 210 રનમાં સમેટાઈ ગઈ હતી. આ દરમિયાન સૈનીએ 43 રન ખર્ચ્યા પરંતુ તેને કોઈ વિકેટ મળી ન હતી.
વિમેન્સ હંડ્રેડ ટુર્નામેન્ટમાં જેમિમા રોડ્રિગ્સ માત્ર બે રન બનાવીને આઉટ થઈ ગઈ હતી પરંતુ તેની ટીમ નોર્ધન સુપરચાર્જર્સે લંડન સ્પિરિટને પાંચ રનથી હરાવ્યું હતું. જેમિમાને ફાસ્ટ બોલર ફ્રેયા ડેવિસે બોલ્ડ કરી હતી.