અષાઢ મહિનામાં આવતી ગુપ્ત નવરાત્રિની શરૂઆત સોમવાર, 22 જૂનથી થઇ રહી છે. આ વર્ષે તે 8 દિવસ માટે જ રહેશે. આ નવરાત્રિમાં છઠ્ઠી તિથિનો ક્ષય શુક્રવારના દિવસે થશે. એટલે પાંચમ અને છઠ્ઠ પૂજા એક જ દિવસે એટલે 26 જૂન, શુક્રવારે કરવામાં આવશે. 29 જૂને ભડલી નોમે ગુપ્ત નવરાત્રિ પૂર્ણ થઇ જશે. હિંદુ કેલેન્ડરના ચૈત્ર મહિનાના સુદ પક્ષમાં પહેલી નવરાત્રિ આવે છે. વસંત ઋતુમાં હોવાના કારણે તેને વાસંતી નવરાત્રિ પણ કહેવામાં આવે છે ત્યાર બાદ અષાઢ મહિનામાં ગુપ્ત નવરાત્રિ આવે છે. જે વર્ષની બીજી નવરાત્રિ છે. ત્યાર બાદ શરદ એટલે આસો મહિનામાં પણ નવરાત્રિ હોય છે જેનું સમાપન દશેરાના દિવસે થાય છે. વર્ષની છેલ્લી અને ચોથી નવરાત્રિ માઘ મહિનામાં એટલે જાન્યુઆરી અને ફેબ્રુઆરીની વચ્ચે આવે છે. તે પણ ગુપ્ત નવરાત્રિ હોય છે. માઘ અને અષાઢની નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે.