બેંગલુરુના જાણીતા મહિલા પત્રકાર ગૌરી લંકેશની 2017માં તેમના ઘર આગળ જ ફાયરિંગ કરીને કોઈ અજાણી વ્યક્તિ હત્યા કરી હતી. આ સમગ્ર ઘટના ગૌરી લંકેશના ઘરે લગાડેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી પરંતુ હત્યારાને આમાં બરાબર ઓળખી શકાતો ન હતો કેમ કે સીસીટીવી ફૂટેજની ગુણવત્તા સારી ન હતી.
કર્ણાટક સરકારે આ બાબતની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી આ ટીમે તપાસ દરમિયાન પરશુરામ વાઘમરે નામની વ્યક્તિને શંકાસ્પદ તરીકે પકડ્યો હતો. અલબત્ત પોલીસ પાસે આ બાબતે કોઈ નક્કર પુરાવો ન હતો જેથી એસઆઇટીએ પરશુરામ વાઘમારેનો હાલવા ચાલવાની ઉભા રહેવાની અને હલનચલન કરવાની રીતભાતનું એક કંટ્રોલ વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું.
પત્રકાર ગૌરી લંકેશ ના ઘરે લગાડેલા સીસીટીવી ફૂટેજના દ્રશ્યો અને પરશુરામ વાઘમરે નું પોલીસે કરેલું કંટ્રોલ વિડિયો રેકોર્ડિંગ ગાંધીનગર ખાતેની ગુજરાત એફ એસ એલને તપાસ માટે મોકલી આપ્યું હતું.
ગાંધીનગર ખાતે આવેલી ગુજરાત એફ એસ એલના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘અમે આ બંને વિડિયોનું ગેઇટ પેટર્ન દ્વારા વિડીયો એનહેનસિંગ કરી અને એનાલિસિસ કર્યું હતું. જેમાં દરેક ફ્રેમનું તબક્કાવાર એનાલિસિસ કરી અને સરખામણી કરવામાં આવી હતી જેના આધારે આ બંને વીડિયોમાં દેખાતી વ્યક્તિ એક જ હોવાનું તારણ નીકળ્યું હતું જેનો રિપોર્ટ અમે બેંગ્લોર પોલીસને આપ્યો હતો અને તેના આધારે આ શંકાસ્પદ આરોપી પરશુરામ વાઘમારે જ હત્યારો હોવાનું સાબિત થયું હતું.