ભિવાનીઃ માર્ગ અકસ્માતની ઘટનાઓ રોજેરોજ બનતી જાય છે ત્યારે હરિયાણાની ભિવાની જિલ્લામાં ચકચારી અકસ્માતની ઘટના બની હતી. હરિયાણાના ભિવાની જિલ્લાના લોહારૂ શહેરમાં ઓવર સ્પીડ જઈ રહેલી બોલેરો કાર અચાનક પલટી મારી જતાં એક આશાસ્પદ યુવાનનું મોત થયું છે. ડ્રાઇવરે ઓવર સ્પીડ બોલેરો કાર પરથી નિયંત્રણ ગુમાવતા તે પલટીઓ ખાવા લાગી અને તે રસ્તા કિનારે એક ઝાડને જઈને ટકરાઈ. આ દર્દનાક અકસ્માતમાં વેટલિફ્ટર પહેલવાનનું મોત થયું છે.
મૃતક વેટલિફ્ટર પિતાને દવાખાને લઈ જઈ રહ્યો હતો ત્યારે તેમની બોલેરો કાર દુર્ઘટનાનો શિકાર બની. પોલીસ અકસ્માતના કારણોની તપાસ કરી રહી છે. મળતી જાણકારી મુજબ મૃતકની ઓળખ 36 વર્ષીય વેટલિફ્ટર દિનેશ ગર્ગના રૂપમાં થઈ છે.
દિનેશ ગર્ગ પોતાના પિતા તેજપાલ પંસારીને દવાખાને ડૉક્ટરને બતાવવા માટે ડ્રાઇવર સાહિલની સાથે બોલેરો કારમાં સવાર થયા હતા. રસ્તામાં બોલેરો પલટી મારી ગઈ અને પલટીઓ મારતાં-મારતાં રસ્તા કિનારે ઝાડ સાથે ટકરાઈ ગઈ.
અકસ્માત એટલો જોરદાર હતો કે દિનેશ ગર્ગનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. જ્યારે બોલેરો ચાલક સાહિલ સહિત મૃતકના પિતા તેજપાલ પંસારી ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ અકસ્માત જોઈને રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકો મદદે આવ્યા. તેમણે ઈજાગ્રસ્તોને તાત્કાલિક હૉસ્પિટલ પહોંચાડ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને લાશને કબજામાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.