મુંબઈ : આજે 10 માર્ચે દેશભરમાં ભારે ઉત્સાહ સાથે ધુળેટીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. હોળી રંગોનો તહેવાર છે. હોળીના રંગ ખુશી અને પ્રેમના રંગ પણ કહેવાય છે. હોળીના તહેવારમાં લોકો એક બીજાને રંગો લગાવે છે તેમજ રંગોવાળા પાણીથી ભીંજવે છે. લોકો હોળી રમતા – રમતા અનેક પ્રકારના રંગ લગાવતાં હોય છે પરંતુ કેટલાક રંગો એટલા પાક્કા હોય છે કે તેને શરીર પરથી દૂર કરવામાં પરસેવો વળી જતો હોય છે. ખાસ કરીને ચહેરા પર લાગેલો પાક્કો રંગ દૂર કરવા માટે લોકો વિવિધ ઉપાય કરતા હોય છે. ત્યારે અમે અહીં તમને તે ઘરગથ્થુ ટ્રિક્સ જણાવી રહ્યાં છીએ જેની મદદથી તમે તમારા શરીર પરથી હોળીના રંગ સરળતાથી દૂર કરી શકો છો.
– સૌથી મહત્વપૂર્ણ બાબત હોળી રમતા પહેલાં તેલનો ઉપયોગ જરૂરથી કરો. ચહેરા પર અને હાથ-પગ પર હોળી રમતા પહેલાં તેલ લગાવી લો. તેનાથી તમારા ચહેરા પર જલ્દી રંગ નહી ચડે અને જો ચડશે તો પણ તે સરળતાથી ઉતરી જશે.
– ઘઉંના જાડા લોટને બેસન, હળદર સાથે મિક્સ કરીને ચહેરા પર લગાવો. સૂકાઇ ગયા બાદ તેને હટાવી લો. જે બાદ તમારી ત્વચા પરથી હોળીનો રંગ ચપટી વગાડતાં જ ગાયબ થઇ જશે.
– બેસન, દહીં અને હળદરની પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર 10 મિનિટ લગાવીને સુકાવા દો. પછી પાણીથી ચહેરો ધોઇ લો. તમારા શરીર પર ચડેલો હોળીનો રંગ એક હદ સુધી ઉતરી જશે.
ભૂલથી પણ આ ન કરો
– જો તમે હોળીના રંગને ઉતારવા માટે લીંબુનો ઉપયોગ કરવા જઇ રહ્યાં છો તો ભૂલથી પણ ન કરો. ફક્ત લીંબુ લગાવવાથી તમારી ત્વચા રુક્ષ થઇ જશે, સાથે જ તમારા ચહેરા પર ફોડલીઓ પણ થઇ શકે છે.
– કપડા ધોવાના સાબુનો ચહેરા પર ભૂલથી પણ ઉપયોગ ન કરો. જો તમે આવું કરશો તો તમારો ચહેરો રુક્ષ થઇ જશે અને બળતરા પણ થશે.