સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમોનું અમલીકરણ શરૂ કરાયું છે પરંતુ તેના કારણે કેટલાક વ્યક્તિઓની હાલત ‘જાયે તો જાયે કહા’ જેવી થઇ ગઇ છે. ટ્રાફિક પોલીસે એકને હેલ્મેટ નહીં પહેરતા રૂા. 500નો દંડ ફટકાર્યો હતો. પોલીસના મેમાને લઇને યુવક કોર્ટમાં આવ્યો હતો અને કહ્યું હતું કે, મારા માપનું હેલ્મેટ મળતુ નથી અને પોલીસ દંડ કરે છે. કોર્ટે યુવકની તકલીફને ધ્યાને રાખીને 400 રૂપિયા ઓછા કરી આપ્યા હતા અને પ00ના મેમોને બદલે રૂા. 100નો દંડ ફટકારી જવા દીધો હતો.
આશ્ચર્યચકિત કરે તેવી ઘટનાની કોર્ટમાંથી મળતી માહિતી પ્રમાણે આજે બપોરના સમયે એક વ્યક્તિ રૂા. 500નો મેમો લઇને સુરત જિલ્લા કોર્ટના ફાસ્ટટ્રેક કોર્ટ બિલ્ડીંગના ત્રીજા માળે આવ્યો હતો. કોર્ટરૂમમાં હાજર થઇને જજ સમક્ષ કહેવામાં આવ્યું હતું કે, સાહેબ મારા માથાની સાઇઝ મોટી છે, મારા માપનું હેલ્મેટ ક્યાંય મળતું નથી. છેલ્લા કેટલાક દિવસોથી શહેરના ઘણા વિસ્તારોમાં ફર્યો છે પરંતુ કશે પણ મારી સાઇઝનું હેલ્મેટ મળતુ નથી. હવે પોલીસ દ્વારા મને હેરાન કરીને રૂા. 500નો દંડ ફટકાર્યો છે. આ વ્યક્તિની વાત સાંભળીને ત્યાં હાજર લોકો આશ્ચર્ય સાથે ચોંકી ઉઠ્યા હતા.
વ્યક્તિએ જજ પાસે ન્યાયની માંગણી કરી હતી પરંતુ પોલીસે રૂા. 500નો દંડ ફટકારતો મેમો ફાડ્યો હોય હવે તેમાં શું કરવું તે પણ એક મોટો પ્રશ્ન બન્યો હતો. પરંતુ કોર્ટે વ્યક્તિની તકલીફ સમજીને પોલીસે આપેલા રૂા. 500ના મેમા સામે 400 રૂપિયા ઓછા કરી આપ્યા હતા અને કોર્ટમાં માત્ર રૂા. 100નો જ દંડ ભરાવીને યુવકને જવા માટે કહ્યું હતું.
– કંપની હવે મોટી સાઇઝના હેલ્મેટ બનાવે અથવા પોલીસ દંડ લેવાનું બંધ કરે : લોકોનો આક્રોશ
સુરત : કોર્ટમાં હેલ્મેટની સાઇઝને લઇને બનેલી ઘટનાને લઇને કેટલીક ચર્ચાઓ જોવા મળી હતી. જેમાં લોકો કહી રહ્યા હતા કે, હવે કંપની દ્વારા મોટી સાઇઝના હેલ્મેટ બનાવવામાં આવે અથવા તો મહાનગર પાલિકાની હદ વિસ્તારમાં હેલ્મેટ ઉપર છૂટછાટ આપવામાં આવે. આ ઉપરાંત પોલીસ પણ હેલ્મેટના કારણે દંડ લેવાનું બંધ કરે તેવો જનઆક્રોશ ઉઠ્યો હતો.