- આ લગ્ન માટે કેટના બોયફ્રેન્ડે તેને સાથે આપ્યો
- લગ્નનું આયોજન કેટના પિતાએ કર્યું હતું
લિધરલેન્ડ: વૃક્ષ પ્રત્યે જાગૃકતા ફેલાવવા માટે અનેક લોકો પ્રયત્નો કરી રહ્યા છે. શનિવારે પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક કાર્યકર્તા કેટ કંનિંઘમે એલ્ડર પ્રજાતિના એક વૃક્ષ સાથે લગ્ન કર્યા છે. એટલું જ નહીં પણ કેટે પોતાની સરનેમ બદલીને પણ એલ્ડર કરી દીધી છે. આ પાર્ટનર સાથે લગ્ન કરવામાં કેટના પરિવારે તેને પૂરો સાથ આપ્યો હતો.
લિધરલેન્ડમાં મર્સીસાઈડ પાર્કમાં થયેલા આ લગ્ન સમારોહમાં કેટના પિતા, તેનો બોયફ્રેન્ડ અને બાળકો પણ હાજર હતા. તેના બોયફ્રેન્ડે આ નિર્ણય પર પૂરો સહકાર આપ્યો હતો. તો બીજી તરફ તેના દીકરાને વૃક્ષ સાથે તેની મમ્મી લગ્ન કરે તે વાત પર શરમ આવી રહી હતી પણ તે લગ્નમાં હાજર રહ્યો હતો. આ લગ્નનું આયોજન કેટના પિતાએ જ કર્યું હતું.
34 વર્ષીય દુલ્હન કેટ કંનિંઘમે રિમરોઝ પાર્કના વૃક્ષ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન કરવા પાછળનો હેતુ લોકોને વૃક્ષનું મહત્ત્વ સમજાવવાનો છે. આવનારા સમયમાં આ પાર્કમાં વૃક્ષને કપાતા અટકાવવા માટે કેટ અભિયાન પણ શરૂ કરવાની છે.
કેટે કહ્યું કે, મને આ જગ્યા ઘણી ગમે છે. મારી માતાનું મૃત્યુ અસ્થમાને કારણે થયું હતું અને મને પણ ફેફસાની બીમારી છે. આ જગ્યા પરના ઝાડને કાપીને રસ્તો બનાવવાનો કોઈ અર્થ નથી. અમારા વિસ્તારમાં પહેલેથી વધારે પ્રદૂષણ છે. જો અહીં રસ્તો બની જશે તો તેની અસર સીધી અમારા સ્વાસ્થ્ય પર થશે. હું કોઈ પણ સંજોગે અહીં રસ્તો નહીં બનવા દઉં.