નવી દિલ્હી : કોરોના વાયરસના રોગચાળા દરમિયાન ‘સોશિયલ ડિસ્ટર્ન્સિંગ’ (સામાજિક અંતર) શબ્દના બદલે ‘ફિઝિકલ ડિસ્ટર્ન્સિંગ’ (શારીરિક અંતર) શબ્દના ઉપયોગને પડકારતી પિટિશનની સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે શુક્રવારે (8 મે)ના રોજ ઇનકાર કરવાની સાથે અરજી ફગાવી દીધી હતી. આ સાથે જ ઊંડી નારાજગી વ્યક્ત કરતાં અરજદારને દસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ બી.આર. ગવાઈની ડિવિઝન બેંચે શકીલ કુરેશીની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે આવી અરજી દાખલ કરવા બદલ અરજદારને 10,000 રૂપિયા દંડ પણ ફટકાર્યો હતો. અરજદાર શકીલ કુરેશીએ જણાવ્યું હતું કે, ‘સોશિયલ ડિસ્ટર્ન્સિંગ’ શબ્દ લઘુમતીઓ માટે ભેદભાવકારક છે.
કુરેશીના વકીલ એસ.બી. દેશમુખની દલીલ હતી કે, ઉત્તર પ્રદેશ અને કેટલાક રાજ્યો ‘સોશિયલ ડિસ્ટર્ન્સિંગ’ શબ્દનો ઉપયોગ કરે છે, જેનો હિન્દીમાં અર્થ ‘સામાજિક દૂરી’ થાય છે. તેઓએ ‘ફિઝિકલ ડિસ્ટર્ન્સિંગ’ અથવા ‘શારીરિક અંતર’ શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. નારાજગી વ્યક્ત કરતા ન્યાયાધીશ ભૂષણએ કહ્યું કે, અમે આ અરજીને નકારી કાઢીએ છીએ અને તમને 10,000 રૂપિયા દંડ પણ લાદીએ છીએ.