વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચેન્નાઈ અને હૈદરાબાદની મુલાકાત લેશે. આ દરમિયાન પીએમ મોદી ચેન્નાઈમાં 31,400 કરોડ રૂપિયાથી વધુની કિંમતની અગિયાર પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ માટે આજે ચેન્નાઈના જેએલએન ઈન્ડોર સ્ટેડિયમમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ્સની કુલ કિંમત 31,400 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. તેમાં રેલ, માર્ગ, બંદર વિકાસને લગતા પ્રોજેક્ટો મુખ્ય છે. PM મોદી હૈદરાબાદમાં ઈન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસ (ISB)ના 20મા સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે ISBનું ઉદ્ઘાટન 20 વર્ષ પહેલા 2 ડિસેમ્બર, 2001ના રોજ તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા કરવામાં આવ્યું હતું, આજે તે દેશની પ્રીમિયર મેનેજમેન્ટ સંસ્થાઓમાં સામેલ છે.
મોટા પ્રોજેક્ટ દેશને સમર્પિત કરવામાં આવશે
રેલ્વેઃ આ સેક્ટરમાં 5 પ્રોજેક્ટ પર 2900 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ પૈકી મુખ્ય છે-
મદુરાઈ: થેની રેલ ગેજ કન્વર્ઝનઃ આ 75 કિલોમીટરના રેલ માર્ગ પર 500 કરોડનો ખર્ચ થશે, પ્રાદેશિક પ્રવાસન અને પરિવહનમાં મદદ કરશે.
તાંબરમ: ચેંગલપટ્ટુ ટ્રેકઃ આ 30 કિમીનો ટ્રેક નાખવા માટે 590 કરોડનો ખર્ચ થશે, ઉપનગરીય પરિવહનમાં મદદ કરશે.
5 રેલ્વે સ્ટેશન પુનઃવિકાસ: ચેન્નાઈ એગ્મોર, રામેશ્વરમ, મદુરાઈ, કટપડી અને કન્યાકુમારીના રેલ્વે સ્ટેશનોનો પુનઃવિકાસ કરવામાં આવશે. તેના પર 1800 કરોડનો ખર્ચ થશે અને મુસાફરોને આધુનિક અને સારી સુવિધાઓ મળશે.
કુદરતી ગેસ પાઇપલાઇન
115 કિમી લાંબા એન્નોર-ચેંગલપટ્ટુ સેક્શન અને 271 કિમી લાંબા તિરુવલુર-બેંગ્લોર સેક્શન પર નેચરલ ગેસ પાઈપલાઈન નાખવામાં આવશે. આના પર અનુક્રમે 850 અને 910 કરોડનો ખર્ચ કરવામાં આવશે. સામાન્ય નાગરિકોની સાથે, તેનાથી તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશના ઉદ્યોગોને પણ ફાયદો થશે.
છ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે
બેંગલુરુ-ચેન્નઈ એક્સપ્રેસવેઃ 14870 કરોડનો આ પ્રોજેક્ટ કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુના લોકોને સારી પરિવહન સુવિધા પૂરી પાડશે. બેંગ્લોરથી ચેન્નાઈ પહોંચવામાં 3 કલાકથી ઓછો સમય લાગશે.
ચેન્નાઈ પોર્ટ-મદુરવોયલ ડબલ-ડેકર રોડઃ આ 21 કિલોમીટરના 4-લેન રોડ પ્રોજેક્ટ પર 5850 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આના દ્વારા ચેન્નાઈ બંદર પર વાહનોની અવરજવર શક્ય બનશે.
લોજિસ્ટિક્સ પાર્કઃ 1400 કરોડના લોજિસ્ટિક્સ પાર્કનો શિલાન્યાસ પણ ચેન્નાઈમાં જ કરવામાં આવશે. આ મલ્ટી મોડલ પાર્ક વિવિધ પ્રકારના માલસામાનના પરિવહન અને સંબંધિત કાર્યોમાં મદદ કરશે.