કોરોના વાયરસથી દુનિયા ત્રાહિમામ પોકારી ગઈ છે. આ વાયરસ ચીનનાં વુહાન શહેરથી દુનિયામાં ફેલાયો છે. ચીને જાન્યુઆરીમાં જ વુહાનમાં લોકડાઉન લગાવી દીધુ હતુ. ત્યારબાદ ઘણા લોકો જે ચીનનાં અન્ય શહેરોમાંથી ત્યાં ગયા હતા. તેઓ પોતાના ઘરે પાછા ફર્યા હતા. આ બધા વચ્ચે એક સ્ટુડન્ટે હોસ્ટેલ પહોંચીને જે દ્રશ્ય જોયું તેનો ફોટો શેર કર્યો છે. આ વિદ્યાર્થી 8 મહિના પહેલાં લોકડાઉન થતાં જ ઘરે જતો રહ્યો હતો. 22 વર્ષનો લીન બુક્સિઉ 12 જાન્યુઆરીએ વુહાનથી તેનાં ઘરે તાઈયુઆન જતો રહ્યો હતો. લીને ચીની સોશિયલ મીડિયા ડોયિન પર હોસ્ટેલ પાછા ફર્યા બાદનું દ્રશ્ય શેર કર્યુ હતુ. લીને તેની હોસ્ટેલમાં એક કાચબો પાળીને રાખ્યો હતો. ઘરે જતા સમયે તેને કાચબા વિશે કશું પણ યાદ ન આવ્યુ આ કારણે તે ભૂખ્યો જ રહી ગયો હતો.
પાણી અને ખોરાક વગર કાચબાની હાલત આવી થઈ ગઈ હતી. લીન જ્યારે 8 મહિના બાદ હોસ્ટેલ પાછો આવ્યો તો કાચબાની જગ્યાએ સુકાયેલા હાડકા જ મળ્યા હતા. લીને જણાવ્યુ, તે માત્ર થોડા દિવસો માટે જ પોતાના ઘરે ગયો હતો. પરંતુ ત્યાં ગયા બાદ અચાનક વુહાનમાં લોકડાઉન થઈ ગયુ હતુ, આ કારણે તે પાછો ફરી શક્યો ન હતો. આટલા દિવસો સુધી ખાવાનું અને પાણી ન મળવાને કારણે કાચબાનું મોત થયુ હતુ. લીને થોડા દિવસોનાં હિસાબથી કાચબા માટે ખાવાનું છોડ્યુ હતુ. પરંતુ 8 મહિનાનો આ પ્લાન અચાનક જ બની ગયો હતો. આ ફોટાને શેર કરતાની સાથે જ લીન મુસીબતમાં મુકાઈ ગયો હતો. વાસ્તવમાં તેણે જે કાચબાને પાળ્યો હતો તે દુર્લભ હતો. તે 70 વર્ષ સુધી જીવીત રહી શકે છે. પરંતુ લીને કહ્યુકે, તેણે માત્ર 5 મહિનાથી જ તેને પાળી રાખ્યો હતો. હવે લીને તેનાં કાચબાનાં હાડકાઓને સાચવીને રાખવાનો નિર્ણય કર્યો છે.