આર્ટિકલ 35Aને રદ્દ કરવાની માગણીના મામલે થયેલી અપીલ પર આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી થવા જઈ રહી છે, તેની પહેલા જ જમ્મુ કાશ્મીરના ત્રણ મોટા અલગતાવાદીઓએ ઘાટીમાં કાશ્મીરનો માહોલ ખરાબ કરવાની ધમકી આપી છે. અપીલના પક્ષમાં નિર્ણય લેવાશે તો અલગતાવાદીઓએ રસ્તા પર ઉતરી ફિલિસ્તાન જેવી સ્થિતિ પેદા કરવાની ધમકી આપી છે.
આર્ટિકલ 35A ભારતીય બંધારણમાં એક પ્રેસિડેન્શિયલ ઑર્ડર દ્વારા 1954માં જોડવામાં આવ્યો હતો. આ રાજ્ય વિધાનમંડળને કાયદો બનાવવાની કેટલીક છૂટછાટ આપે છે. ભાગલાવાદી નેતાઓએ ધમકી આપતાં કહ્યું છે કે, ‘રાજ્ય સૂચી કાયદા સાથે જો કોઈ છેડછાડ કરવામાં આવી તો ફિલિસ્તાન જેવી સ્થિતિ પેદા થશે.’ ભાગલાવાદીઓએ આ અપીલને મુસ્લિમ બહુમતી ધરાવતા રાજ્યની જનસંખ્યાને બદલવાનું ષડયંત્ર કહ્યું હતું.
શું છે કલમ 370 અને 35A?
– કલમ ૩૫-એ હેઠળ કાશ્મીર સિવાયના રાજ્યમાંથી કાશ્મીરી મહિલા સાથે લગ્ન કરનાર વ્યક્તિને મહિલાની મિલ્કતનો અધિકાર મળતો નથી.
– જો કે બહારના વ્યક્તિ સાથે લગ્ન કરનાર કાશ્મીરી મહિલાનો સંપત્તિ પરથી અધિકાર નાશ પામે છે.
– કલમ 35Aમાં જમ્મુ- કાશ્મીર વિધાનસભામાં માત્ર કાશ્મીરી રહેવાસીને જ ચૂંટણી લડવાનો અધિકાર છે.
– દેશના સ્વતંત્ર થયા બાદ પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદે બંધારણની કલમ ૩૭૦ હેઠળ 35Aને જોડયો હતો.
– ૧૯૫૬માં જમ્મુ કાશ્મીરનું અલગ બંધારણ બન્યું જેમાં સ્થાયી નાગરિકતા નક્કી કરાઈ છે. જેને કારણે કાશ્મીરના લોકો અને રાજકીય નેતાઓને 35Aનો વિરોધ થાય તે ગમતું નથી.
દિલ્હીના એક એનજીઓ ‘વી ધ સિટીઝન્સ’ એ પણ આર્ટિકલ 35Aને કોર્ટમાં પડકારી છે. પશ્ચિમી પાકિસ્તાનથી 1947મા ભાગલા વખતે જમ્મુ કાશ્મીરમાં આવેલા શરણાર્થીઓએ પણ બંધારણના આર્ટિકલ 35A વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી હતી. આ અપીલમાં એવું કહેવાયું હતું કે, પશ્ચિમી પાકિસ્તાનથી લગભગ 3 લાખ શરણાર્થીઓ આવ્યા હતા, પરંતુ તેમને આર્ટિકલ 35A અંતર્ગત મૂળ સ્થાનિકો જેવા અધિકારો આપવામાં આવ્યા નથી.