બરેલીઃ અત્યારે કોરોના વાયરસની બીજી અને ઘાતક લહેરમાં અનેક રાજ્યોમાં લોકડાઉન અપાયું છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં પણ લોકડાઉનની સ્થિતિ છે. આવી સ્થિતિમાં પોલીસ લોકોને નિયમોનું કડક પણે પાલન કરાવી રહી છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેના કારણે પોલીસ વિભાગની આબરૂના ધજાગરા ઉડી ગયા છે.
બરેલી શહેરના રહેવાસી એક યુવકે પોલીસ કર્મીઓ પર ગંભીર આરોપ લગાવ્યો છે. યુવકનું કહેવુ છે કે, તેણે માસ્ક ન પહેરવા પર પોલીસે તેની સાથે ખરાબ વ્યવહાર કર્યો છે. ઘરની બહાર માસ્ક વગર બેઠો હતો, જે બાદ પોલીસે તેના હાથ અને પગમાં ખીલ્લા ઠોકી દીધા હતા. તો વળી પોલીસ વિભાગ કંઈક ઉંધૂ જ રટણ રટી રહ્યા છે.
આ સમગ્ર ઘટના બરેલીના પોલીસ સ્ટેશન હદ જોગી નવાદાની છે. રંજીત નામના યુવકના પરિવારનો આરોપ છે કે, રાતના સમયે તે પોતાના ઘરની બહાર માસ્ક વગર બેઠો હતો. જે બાદ પોલીસ પેટ્રોલિંગમાં નિકળી અને તેને પકડી સ્ટેશન લઈ ગયા જ્યાં તેના હાથ અને પગમાં ખીલ્લા ઠોકી દીધા હતા.
પોલીસ અધિકારીઓનું કહેવુ છે કે, 24 મેના રોજ યુવકે પોલીસે સાથે દુર્વ્યવહાર કર્યો હતો. માસ્ક વગર બહાર ફરી રહ્યો હતો. આ જ કારણે તેના પર આઈપીસીની કલમ 323 અને 504, 506, 332, 353 અને 188 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. જે બાદ તે ત્યાંથી ભાગી ગયો હતો. રાતે જ્યારે પોલીસ તેના ઘરે શોધવા માટે ગઈ તો ત્યાંથી તે ગાયબ હતો.