આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાંથી એક રમૂજી કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક ચોરના કારનામાં વાંચીને તમે પોતે જ આશ્ચર્યચકિત થઈ જશો. તમે તમારું હસવું પણ નહીં રોકી શકો. જો કે, આ ચોર ઘરમાં હાથ સાફ કરવા માટે પ્રવેશ કર્યો, પરંતુ તેણે ઘરમાં ઘૂસીને શું કર્યું તે જાણશો તો તમે પણ વિચારતા થઈ જશો.
પેટ્રોલપંપના માલિકના ઘરમાં મોટી રકમની ધાડ પાડવા ઘૂસ્યો
હકિકતમાં આ ઘટના ગોદાવરી જિલ્લાના ગોકાવરમ ગામમાં બની છે. 21 વર્ષીય સુરી બાબુએ ત્યાં રહેતા સત્તી વેંકટ રેડ્ડીના ઘરમાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો. સતી વેંકટ રેડ્ડી પેટ્રોલપંપનો માલિક છે તો તેના ઘરમાં મોટી રકમ મળી રહેશે એવા ઈરાદા સાથે તેમના ઘરમાં ઘૂસ્યો.
ચોરની આંખો ખુલી તો સામે પોલિસ ઊભી હતી
ચોર મકાનમાં લૂંટ કરવાના ઇરાદા સાથે અંદર પ્રવેશ કર્યો હતો, પરંતુ એર કંડિશનરની ઠંડી હવા સામે સૂઈ ગયો હતો અને જ્યારે તેણે આંખો ખોલી ત્યારે તેની સામે પોલિસને જોઈ. તે રૂમમાં એસીમાં જતાં સૂઈ ગયો પરંતુ ઉઠ્યો ત્યારે પોલિસ કસ્ટડીમાં હતો. આટલું જ નહીં, કોરોનાના ફાટી નીકળ્યાને ધ્યાનમાં રાખીને આરોપી સુરી બાબુ ફેસ માસ્ક પહેરીને ચોરી કરવાના ઈરાદાથી ઘરમાં ઘૂસ્યો હતો. આરોપી સૂરીએ પોલીસને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી તેણે ઘરના માલિકની આખી દિનચર્યા માટેની રેકી કરી હતી. તેના કારણે તેને ખબર હતી કે તેની ચોરી ક્યારેય પકડાશે નહીં. યોજના મુજબ સૂરી 12 સપ્ટેમ્બરના રોજ સવારે 4 વાગ્યે ઘરમાં ઘૂસી ગયો હતો અને ઘરની માલિક સત્તી વેંકટ રેડ્ડીના રૂમમાં ઘૂસી ગયો. આ સમયે તે ખૂબજ ગાઢ નીંદ્રામાં સૂઈ રહ્યો હતો.
નસકોરાથી મકાન માલિક જાગી ગયા
આરોપી સુરી બાબુએ કહ્યું કે તે આખો દિવસનો થાકી ગયો હતો અને જ્યારે અચાનક ઓરડામાં એર કન્ડીશનરની ઠંડી હવા અનુભવાઈ ત્યારે તે ખૂબ ગહેરી ઊંઘમાં જકડાઈ ગયો. પછી તેણે ઘરના માલિક રેડ્ડીના પલંગ નીચે થોડીવાર આરામ કરવાનો નિર્ણય કર્યો. આશ્ચર્યજનક રીતે, ટૂંક સમયમાં જ ચોર મોટેથી નસકોરા બોલાવા લાગ્યો અને તે પછી નસકોરા સાંભળીને માલિક ઊંઘમાંથી જાગી ગયા.
લોકડાઉનની નાણાં ભીડે ચોરીનો વિચાર આવ્યો
તે પછી શું થયું. બહાર નીકળીને મકાન માલિક રેડ્ડીએ ચોરને રૂમની અંદર પૂરી દીધો. અને પોલિસને બોલાવ્યા. સવારે લગભગ 7 વાગ્યા આસપાસ સૂરી બાબૂને પોલીસે જગાડ્યો અને તેની ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન ચોરે જણાવ્યું હતું કે તે મીઠાઇની દુકાનમાં નાનું મોટું કામ કરતો હતો. કોરોનામાં લોકડાઉનને કારણે તે નાણાં ભીડમાં ફસાઈ ગયો હતો. તે પહેલીવાર કોઈ ચોરી કરવા જઈ રહ્યો હતો. પરંતુ તેના પર તેની ઊંઘ ભારે પડી ગઈ. હાલ તે પોલિસની કસ્ટડીમાં છે.