તમે માણસો કિડનેપ થયાની અને ખંડણી માંગ્યાની વાત તો સાંભળી હશે, પરંતુ એક મગરને કિડનેપ કરીને પૈસા માંગ્યાની વાત ક્યારેય સાંભળી છે? ઉત્તર પ્રદેશના લખમીપુર ખીરી જિલ્લામાં આવી એક ઘટના હકીકતમાં બની છે. આ ઘટના અને તેનો વીડિયો બંને સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જિલ્લામાં મીડિનીયા ગામમાં એક તળાવ આવેલું છે. આ તળાવમાં એક મગર આવી ચડ્યો. ગામલોકોને આ વાતની જાણ થતા અફરાતફરી મચી ગઇ છે. ગામલોકોએ આ વાતની જાણ વન વિભાગ અને પોલીસને કરી. વનવિભાગ કે પોલીસની ટીમ બંનેમાંથી કોઇ પણ સમય પર પહોંચ્યા નહીં.
ગામલોકોએ તેમની પાસેથી 50 હજાર રુપિયાની માંગ કરી
ત્યારબાદ ગામલોકોએ લગભગ ત્રણ કલાકની મહેનત બાદ મગરને દોરડા વડે બાંધ્યો અને બાદમાં તળાવમાંથી બહાર કાઢ્યો. વન વિભાગ અને પોલિસ સમય પર ના આવતા નારાજ થયેલા ગામલોકોએ મગરને તળાવની અંદર જ આમ તેમ ખેંચ્યો અને બાદમાં ગામના રસ્તા પર ફેરવ્યો. ત્યારબાદ જ્યારે વન વિભાગ અને પોલીસની ટીમ ગામમાં આવી તો ગામલોકોએ તેમની પાસેથી 50 હજાર રુપિયાની માંગ કરી છે.
જો તેમણે મગરને છોડ્યો નહીં તો તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે
કલાકો સુધીની માથાકૂટ બાદ પણ ગામલોકો ના માન્યા. ત્યારબાદ પોલીસે ચેતવણી આપી કે જો તેમણે મગરને છોડ્યો નહીં તો તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ ગામલોકોએ પૈસાની માંગ છોડી દીધી હતી. ગામલોકોનું કહેવું છે કે તેમણે જીવ જોખમમાં નાંખીને મગરને પકડ્યો છે, જેથી તેમને વળતર મળવું જોઇએ. થોડી સમજાવટ બાદ ગામલોકોએ મગરને વન વિભાગની ટીમને સોંપી દીધો છે. વન વિભાગની ટીમે મગરને નદીમાં છોડી મુક્યો. કદાચ આ પ્રકારની આ પહેલી ઘટના છે.