નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની વેક્સીન નીતિ ઉપર ગંભીર સવાલો ઉઠવાના શરું થયા છે. કોરોના સંકટ વચ્ચે દેશમાં આ સમયે વેક્સીનેશનની ઘતી ધીમી ચાલી રહી છે. આવી સ્થિતિ દેશની બધી વસ્તીને રસી લગાવવા માટે કેટલો સમય લાગશે અનો જવાબ બધા શોધી રહ્યા છે. આ વચ્ચે સુપ્રીમ કોર્ટે કેન્દ્રની વેક્સીન નીતિ અંગે પ્રશ્ન કર્યો હતો. કે કેન્દ્ર સરકારે વેક્સીન માટે જે બજેટ બનાવ્યું છે તેનો ઉપયોગ 18થી 44 વર્ષના લોકોને મફતમાં રસી આપવામાં કેમ ન થઈ શકે.
કોરોના વેક્સીનેશનના મામલામાં બુધવારે સુપ્રીમ કોર્ટમાં જ્યારે સુનાવણી થઈ ત્યારે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું હતું કે, વેક્સીનેશન માટે 35હજાર કરોડ રૂપિયાના ફંડનો ઉપયોગ 18થી 44 વર્ષની વસ્તીને ફ્રીમાં વેક્સીન આપવામાં ઉપયોગ કેમ ન થઈ શકે?
સુપ્રીમ કોર્ટે કેન્દ્રની અત્યારની વેક્સીનેશન નીતિ ઉપર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા હતા. આ સાથે જ હવે વેક્સીન ખરીદી ઉપર પણ શરુથી અત્યાર સુધીની ડિટેલ માંગી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું હતું કે, અત્યાર સુધી 35 હજાર કરોડ રૂપિયાને કેવી રીતે ખર્ચ કર્યા છે.
સુપ્રીમ કોર્ટએ કોવિડ-19ની વિરુદ્ધ ઉપયોગમાં લેવામાં આવતી વેક્સીનને લઈ વિગતો માંગી છે. કોર્ટે વેક્સીનની કિંમતોને લઈ ખરીદી સુધીની તમામ જાણકારી રજૂ કરવા માટે કહ્યું છે. ભારતમાં હાલ કોવેક્સીન, કોવિશીલ્ડ અને સ્પૂતનિક Vનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ એલ.એન. રાવ અને જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટની વિશેષ બેન્ચ કેસની સુનાવણી કરી રહી હતી.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એક રિપોર્ટ તૈયાર કરવા માટે કહ્યું છે, જેમાં ભારતમાં ઉપયોગમાં લેવાતી વેક્સીનની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કિંમતોની તુલના કરવામાં આવી હોય. કોર્ટે સરકારને પોતાની નિતિ નિર્ધારણથી સંબંધિત દસ્તાવેજ અને ફાઇલ નોટિંગ્સ પણ તૈયાર કરવા માટે કહ્યું છે. આ ઉપરાંત કોર્ટે કોવેક્સીન, કોવિશીલ્ડ અને સ્પૂતનિક-Vની અત્યાર સુધીની ખરીદીની જાણકારી આપવા માટે પણ કહ્યું છે. સાથોસાથ સરકારને 31 ડિસેમ્બર 2021 સુધીમાં વેક્સીનની અંદાજિત ઉપલબ્ધતાની જાણકારી તૈયાર કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.
હાલ ભારતમાં બે વેક્સીન એવી છે જેનો ઉપયોગ દુનિયાના અન્ય દેશોમાં પણ થઈ રહ્યો છે. રશિયન વેક્સીન સ્પૂતનિક-V આ મહિનાના બીજા સપ્તાહ સુધી અપોલો હૉસ્પિટલમાં મળવા લાગશે. તેની કિંમત 1195 રૂપિયા પ્રતિ ડોઝ રાખવામાં આવી છે. બીજી તરફ, કોવીશિલ્ડ રાજ્યોને 300 રૂપિયા પ્રતિ ડોઝ અને ખાનગી હૉસ્પિટલોને 600 રૂપિયા પ્રતિ ડોઝના ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.