Maharashtra: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. ત્રણેય નેતાઓએ લોકસભા ચૂંટણી પહેલા સંભવિત ગઠબંધન અંગે ચર્ચા કરી હતી. આ બેઠક બાંદ્રાના તાજ લેન્ડ્સ એન્ડમાં થઈ હતી. તમને જણાવી દઈએ કે આ પહેલા મનસે પ્રમુખ રાજ ઠાકરેએ મંગળવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
ગૃહમંત્રી અમિત શાહને મળ્યા બાદ એવો સંકેત મળ્યો હતો કે રાજ ઠાકરે લોકસભા ચૂંટણી પહેલા ભાજપ સાથે ગઠબંધન કરી શકે છે. આ બેઠક અંગે MNSના વરિષ્ઠ નેતા બાલા નંદગાંવકરે કહ્યું કે, બંને નેતાઓ વચ્ચેની વાતચીત સકારાત્મક રહી અને આ બેઠકની વિગતો એક-બે દિવસમાં શેર કરવામાં આવશે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને રાજ ઠાકરે વચ્ચેની વાતચીત સકારાત્મક રહી. થોડા દિવસોમાં બધું સ્પષ્ટ થઈ જશે.
તમને જણાવી દઈએ કે રાજ ઠાકરે 2006માં શિવસેનાથી અલગ થઈ ગયા હતા, ત્યારબાદ તેમણે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની રચના કરી હતી. જો ગઠબંધન ફાઈનલ થઈ જાય તો MNS મુંબઈની એક સીટ પરથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો માટે પાંચ તબક્કામાં ચૂંટણી યોજાશે. 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7 મે, 13 મે અને 20 મેના રોજ મતદાન થશે. 4 જુલાઈના રોજ પરિણામ જાહેર થશે.