અમેરિકી રાજ્ય અલાબામાની ૩૨ વર્ષીય મહિલાનો જન્મ બે ગર્ભાશય સાથે થયો હતો અને હવે તે બંનેથી ગર્ભવતી છે. આ એક અનોખો કિસ્સો છે. જો સરળ શબ્દોમાં કહીએ તો સ્ત્રીની અંદર બે ગર્ભ છે અને બંને ગર્ભમાં એક-એક બાળક ઉછરી રહ્યા હોય છે.
મેડિકલ સાયન્સમાં સ્ત્રીને બે ગર્ભ હોવાના કિસ્સા બહુ ઓછા જોવા મળે છે. જો આવી ઘટનાઓ પ્રકાશમાં આવે તો પણ, એક ગર્ભ સામાન્ય રીતે સુષુપ્ત અવસ્થામાં હોય છે. પરંતુ આ મહિલાના શરીરમાં બે બાળકો વધી રહ્યા છે.
અલાબામાના રહેવાસી કેલ્સી હેચરને તેણીની દુર્લભ સ્થિતિ વિશે જાણ થઈ જ્યારે તે ૧૭ વર્ષની હતી. તેણીનો જન્મ ‘યુટરસ ડીડેલફીસ’ નામની દુર્લભ સ્થિતિ સાથે થયો હતો. જે વિશ્વની લગભગ ૦.૩% મહિલાઓમાં જોવા મળે છે અને કેલ્સીને મે મહિનામાં તેની ટ્વીન પ્રેગ્નન્સી વિશે જાણવા મળ્યું. જ્યારે તેણી તેના આઠમા અઠવાડિયે અલ્ટ્રાસાઉન્ડ માટે ગઈ હતી. આ દરમિયાન, તેણીને માત્ર જોડિયા બાળકો વિશે જાણ થઇ હતી પણ પછી એ બાબત સ્પષ્ટ થઈ હતી કે બન્ને અલગ અલગ ગર્ભમાં ઉછરી રહ્યા છે. કેલ્સીના ગર્ભાશયની બંને બાળકીઓ હજુ પણ સ્વસ્થ છે અને અપેક્ષા મુજબ વિકાસ કરી રહી છે. ડૉક્ટરે તેની ડિલિવરીની તારીખ ક્રિસમસ સમયે નક્કી કરી છે. જો કે, બંને ડિલિવરી એક સાથે થશે કે અલગ-અલગ સમયે થશે તે હજુ નક્કી નથી.
કેલ્સીના પહેલાથી જ ત્રણ બાળકો છે. મોટા બાળકની ઉંમર સાત વર્ષ અને નાનાની બે વર્ષની છે. આ બાળકના જન્મ સમયે કેલ્સીને આવી કોઈ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો ન હતો. કેલ્સીને સઘન તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી છે. આવા કિસ્સાઓમાં અસલામતી હોય છે. કેટલીકવાર મિસકેરેજ અથવા સમય પહેલા ડિલિવરી થવાની સંભાવના હોય છે. બીજી મહત્વની વાત એ છે કે મહિલા જે બે બાળકોને જન્મ આપશે તે જોડિયા નહીં હોય. તે એટલા માટે કારણ કે તેમના ગર્ભાશય અલગ છે.
આ ગર્ભાવસ્થાનો આ અત્યંત દુર્લભ કેસ છે. જેની સંભાવના ૫૦ મિલિયનમાંથી ૧ છે.