મુંબઈ: ભારતીય ચલણમાંથી ૫૦૦ અને ૧૦૦૦ની નૉટો રદ કરવામાં આવતાં જૂની નૉટો બદલી આપવાને બહાને કેટલાક ઠગ બિલ્ડરને બૅન્ક સુધી લઈ ગયા બાદ ત્રણ કરોડની રોકડ સાથે ફરાર થઈ ગયા હોવાની ઘટના સાંતાક્રુઝ વિસ્તારમાં બની હતી. આ પ્રકરણે પોલીસે ત્રણ આરોપીને પકડી પાડ્યા હોઈ તેમના બે સાથીની શોધ ચાલી રહી છે.
સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર શાંતનુ પવારે મંગળવારે બપોરે આવી ઘટના બની હોવાની વાતને સમર્થન આપ્યું હતું. જોકે તપાસ ચાલી રહી હોવાથી પકડાયેલા આરોપીઓની ઓળખ છતી કરવાનો તેમણે ઇનકાર કર્યો હતો.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બિલ્ડરને તેની પાસેના ત્રણ કરોડ રૂપિયા એક્સચેન્જ કરવા હતા. પોલીસ ફરિયાદમાં બિલ્ડરે આક્ષેપ કર્યો હતો કે તેના એક મિત્રએ જણાવ્યું હતું કે તે એવા કેટલાક લોકોને ઓળખે છે, જે ખાનગી બૅન્કના અધિકારીઓ સાથે સારી ઓળખાણ ધરાવે છે. એ લોકો આ રકમ બદલવામાં મદદ કરી શકશે.
કહેવાય છે કે મિત્રએ આપેલા નંબરને આધારે બિલ્ડરે એક શખસનો સંપર્ક સાધ્યો હતો. નૉટ એક્સચેન્જ કરાવી આપવા તેમ જ આરટીજીએસ કરાવી આપવાને બહાને આરોપીએ બિલ્ડરને રૂપિયા લઈ ખાનગી બૅન્કની સાંતાક્રુઝ પશ્ર્ચિમમાં આવેલી શાખા બહાર બોલાવ્યો હતો. કહેવાય છે કે બૅન્ક બહારની ભીડનો લાભ ઉઠાવી આરોપીઓ બિલ્ડરની રોકડ લઈ કારમાં ફરાર થઈ ગયા હતા.
આ પ્રકરણે સાંતાક્રુઝ પોલીસમાં ફરિયાદ નોંધાતાં જ પોલીસે તપાસ હાથ ધરી હતી. બૅન્ક ખાતેના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી. ફૂટેજમાં ઘટના કેદ થઈ હોવાનું કહેવાય છે. તપાસ બાદ પોલીસે સાંતાક્રુઝ પૂર્વમાંથી ત્રણ આરોપીને પકડી પાડ્યા હતા. જોકે તેમની પાસેથી પૂરી રોકડ હસ્તગત કરી શકાઈ નહોતી.