દેશમાં પહેલી વાર અવાજ પરથી કોરોનાની હાજરી પારખવાના ટેસ્ટ શરૂ થઈ રહ્યા છે. બૃહદમુંબઈ મહાનગરપાલિકા પાઈલટ પ્રોજેક્ટ તરીકે એક હજાર લોકોના આ રીતે ટેસ્ટ કરવા જઈ રહી છે. મોબાઈલ એપ્લિકેશન આધારિત આ તપાસમાં લોકોનાં કોરોનાનાં લક્ષણોની તપાસ કરવામાં આવશે. આ પરીક્ષણમાં અડધા કોરોના પોઝિટિવ દર્દીઓ હશે અને અડધા સંભવિત લોકો.
BMCના એડિશનલ કમિશનર સુરેશ કકાણીએ જણાવ્યા અનુસાર ઈઝરાયેલ અને અમેરિકામાં આ ટેક્નિકથી કોરોનાના ટેસ્ટ શરૂ થઈ ચૂક્યા છે. આ મહિને શરૂ થઈ રહેલો પાઈલટ પ્રોજેક્ટ સફળ થશે તો તેને વ્યાપક પ્રમાણમાં અમલમાં લાવવામાં આવશે. અમેરિકાની વોકલિસ હેલ્થ નામની કંપની આ ટેસ્ટ કરી રહી છે.
ભારતમાં કામ કરી રહેલી આ કંપની ફાર્માસ્યુટિકલ્સ અને ઈન્ફર્મેશન ટેક્નોલોજી એમ બંને ક્ષેત્રે કાર્યરત છે. જે દર્દીઓના અવાજ મારફતે કોરોનાના ટેસ્ટ થશે તેમના RT-PCR ટેસ્ટ પણ થશે. ત્યારબાદ અવાજ અને આ RT-PCR બંને ટેસ્ટનાં રિઝલ્ટની સરખામણી કરીને કયા ટેસ્ટ વધુ સચોટ છે અને કયા ટેસ્ટમાં ઝડપથી રિઝલ્ટ મળે છે તેનો તાગ મેળવવામાં આવશે.
સ્માર્ટફોન કે ટેબલેટમાં આ ટેસ્ટની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. તેમાં વ્યક્તિએ પોતાનો અવાજ રેકોર્ડ કરવાનો રહેશે અને અડધો કલાકમાં એપ તે વ્યક્તિને કોરોના છે કે કેમ તે કહી આપશે.
આ સોફ્ટવેર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર કામ કરે છે. ઘરે, ઓફિસમાં કે ટ્રાવેલિંગ પર નીકળતાં પહેલાં વ્યક્તિ જાતે જ પોતાનું ટેસ્ટિંગ કરીને પોતાને કોરોનાનો ચેપ લાગ્યો છે કે કેમ તે જાણી શકે છે. કોરોનાનાં પ્રારંભિક લક્ષણો પારખવામાં અસરકારક છે. વિદેશોમાં તો 85 ટકા એક્યુરસીથી તેનાં પોઝિટિવ રિઝલ્ટ મળ્યાં છે.