આજે સાંજે 6 વાગ્યે હરિયાણા અને મહારાષ્ટ્રમાં ચૂંટણીઓ સમાપ્ત થયા બાદ લગભગ તમામ એક્ઝીટ પોલનાં અનુમાન મુજબ બંને રાજ્યોમાં ફરીથી ભાજપનું કમળ ખીલશે તેવું જણાય રહ્યું છે.
મહારાષ્ટ્રમાં કુલ 288 બેઠકો પૈકી ટાઈમ્સ નાવના એક્ઝીટ પોલ મુજબ ભાજપ-શિવસેના ગઠબંધનને 230 બેઠકો મળી શકે છે તો કોંગ્રેસ-એનસીપીને 48 બેઠક પર વિજય મેળવી શકે છે. ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયાના સર્વે મુજબ ભાજપ-સેના યુતિને 166 થી 194 બેઠકો મળવાનું અનુમાન છે જ્યારે કોંગ્રેસ અને સાથીપક્ષો 72 થી 90 સીટો પર વિજય પ્રાપ્ત કરી શકે છે અને 22 થી 34 બેઠકો અન્યના ફાળે જશે. CNN ન્યૂઝ18-IPSOSના અંદાજ મુજબ એનડીએ ગઠબંધનને 243 સીટો મળી શકે તેમ છે જ્યારે કોંગ્રેસ-એનસીપી ફક્ત 41 બેઠકો પર સમેટાય શકે છે તો 4 બેઠકો અન્ય પક્ષોને મળવાનું અનુમાન છે.
હરિયાણામાં TV9-ભારતવર્ષના સર્વે અનુસાર ભાજપને કુલ 90 બેઠકમાંથી 47 તો કોંગ્રસેને 23 અને અકાલી દળ+ INLDને 9 સીટ તો અન્યના ખાતામાં 11 સીટ મળી શકે છે. ટાઈમ્સ નાઉના સર્વે અનુસાર ભાજપ 71 સીટ પર કમળ ખીલવી શકે તેમ છે જ્યારે કોંગ્રેસ 11 સીટ પર બાજી મારશે બીજી તરફ અકાલી દળ+ INLDને ખાતું ખોલવાના પણ ફાંફા જણાય રહ્યા છે અને અન્ય પક્ષો 8 સીટ પર સમેટાવાની શક્યતા છે. ઈન્ડિયા ન્યૂઝ/ NewsX- POLSTRATના સરવે મુજબ ભાજપને 75 થી 80 વચ્ચે સીટ મળી શકે છે તો કોંગ્રેસને 9 થી 12 સીટ મળી શકે છે. અકાલી દળ+ INLDને 0 થી 1 સીટ મળી શકે છે. તો અન્યને 1થી લઈને 3 સીટ મળી શકે છે.
આમ, લગભગ દરેક એજન્સીઓના સર્વે મુજબ બંને રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે તો વિપક્ષની ક્લીન સ્વીપ થવા જઈ રહી છે.