ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવતા પૂર્વે અમદાવાદમાં ભવ્યાતિભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો એટલુ જ નહીં ભાજપે શકિત પ્રદર્શન પણ કરી વિજયનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ ગુજરાતના પાટનગર ગાંધીનગરથી ચૂંટણી લડી રહ્યા હોય તેમના સમર્થનમાં સમગ્ર એનડીએ અહીં ઉમટી પડયુ છે. શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે, રામવિલાસ પાસવાન, પંજાબના પૂર્વ સીએમ પ્રકાશસિંહ બાદલ સહિતના નેતાઓ ઉપરાંત ભાજપના દિગ્ગજો અરૂણ જેટલી, રાજનાથસિંહ, નીતિન ગડકરી, પિયુષ ગોયેલ, મનસુખ માંડવિયા સહિતના નેતાઓ તેમને સમર્થન આપવા અમદાવાદ આવ્યા હતા અને સ્ટેજ પરથી સંબોધન પણ કર્યું હતું. બપોરે 12.39 મીનીટના વિજય મૂહૂર્તમાં ભાજપના શહેન”શાહ” અમિત શાહે શાહી સવારી કરી ગાંધીનગર કલેકટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી હતી. સ્ટેજ પરથી મોદી સરકાર, ફિર એક બારના નારા લગાવ્યા હતા. ઉમેદવારી નોંધાવતા પહેલા અમિત શાહે નારણપુરા મત વિસ્તારમાં ગ્રાન્ડ રોડ શો યોજયો હતો જેમા રાષ્ટ્રીય નેતાઓ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતનું મંત્રી મંડળ, પ્રમુખ જીતુ વાઘાણી સહિતના આગેવાનો જોડાયા હતા.
રોડ શોના રૂટમાં બન્ને તરફ મોટી સંખ્યામાં કાર્યકરો અને જનતાએ તેમનુ ભવ્ય અભિવાદન કર્યુ હતું. ઠેર ઠેર સ્ટેજ ઉપરથી કલાકારો, નૃત્યવૃંદો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી. ઠેર ઠેર રસ્તાઓ ચક્કાજામ થઈ ગયા હતા. ઢોલ-નગારા અને બ્યૂગલ સાથે નિકળેલા રોડ શોમાં ભાજપના ઝંડાઓ અને પીએમ મોદીના ફોટાઓ જોવા મળ્યા હતા. ભવ્ય રોડ શો બાદ ગાંધીનગર બેઠક પરથી તેઓ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના કાર્યકરોએ માનવ સાંકળ રચી તેમનું સ્વાગત કર્યુ હતું.
કલેકટર કચેરી પાસેનો વિસ્તાર પ્રતિબંધિત હોવાથી ગણતરીના ટેકેદારો સાથે ઉમેદવારી પત્ર ભરવા ગયા હતા. રોડ શો દરમિયાન ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. 3 ડીસીપી, 8 એસીપી, 20 પીઆઈ, 130 પીએસઆઈ, 1100 પોલીસ જવાનો, હોમગાર્ડસના જવાનો સહિતની ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે ગાંધીનગર બેઠક પરથી અમિત શાહની પસંદગી થઈ છે. આ બેઠક પરથી અડવાણી સતત ચૂંટાતા આવતા હતા. ગુજરાતની તમામ બેઠકો માટે 23 એપ્રિલ મતદાન થવાનું છે. ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ ચોથી એપ્રિલ છે.