ગુજરાત કોંગ્રેસને છોડી ભાજપની નજીક આવેલા મહેસાણની ઉંઝા વિધાનસભાના ધારાસભ્ય આશા પટેલની ઘર વાપસી માટે કોંગ્રેસ ઓફર પર ઓફર કરી રહી છે. જ્યારે સત્તારુઢ ભાજપ તેમને મહેસાણા લોકસભાની ટીકીટ આપવા માટે તલપાપડ છે. હવે આશા પટેલ ભાજપ અને કોંગ્રેસ માટે આબરુનો પ્રશ્ન બનીને ઉભરી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા બાદ આશા પટેલે ઉંઝાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું.
એક તરફ આશા પટેલને ભાજપ મહેસાણા લોકસભા લડાવવા માંગી રહ્યો છે તો કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની ચેતવણી બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓ આશા પટેલને કોંગ્રેસમાં ધર વાપસી કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ અને ધારાસભ્યો ઉપરાંત પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા આશા પટેલનો સંપર્ક સાધવાનું શરુ કર્યુ છે. કોંગ્રેસે પણ નક્કી કર્યું છે કે આશા પટેલે ઘર વાપસી કરે છે તો તેમને મહેસાણા લોકસભાના કોંગ્સના ઉમદેવાર બનાવી દેવામાં આવશે.
બીજી તરફ ભાજપના નેતાઓએ પણ આશા પટેલ સાથે મીટીંગો પર મીટીંગ કરવા માંડી છે. ભાજપ પણ તેમને લોકસભાની ચૂંટણી લડાવવા માટે તૈયાર છે. અત્રે નોંધનીય છે કે કોંગ્રેસના નેતાઓથી નારાજ થઈને આશા પટેલે ધારાસભ્ય પદનો જ ત્યાગ કર્યો હતો. રાજીનામા બાદ આશા પટેલને એશિયાની સૌથી મોટી એપીએમસી માર્કેટના ચેરપર્સન તરીકેની ઉમેદવારી નક્કી કરવામાં આવી હતી.
આ ઉપરાંત કોંગ્રેસથી નારાજ નેતાઓને ભાજપ પોતાની તરફ વાળવાની ફિરાકમાં છે. કોંગ્રેસના પાંચ ધારાસભ્યો પણ રાજીનામા આપી રહ્યાની અટકળોની વાત કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સુધી પહોંચી ગઈ છે. રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે ગુજરાતમાંથી હવે એક પણ ધારાસભ્ય જવો જોઈએ નહીં. રાહુલ ગાંધીએ એવું પણ કહ્યું હોવાનું માનવામાં આવે છે કે પોતાનું ઘર ઠીક કરો અથવા પદ છોડી દો.