ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના બિઝનેસ ગ્રૂપ અંગે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટની તપાસની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. અરજીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ રિપોર્ટની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં બીજી અરજી દાખલ કરવામાં આવી હતી. દરમિયાન કોંગ્રેસ પાર્ટી આ રિપોર્ટને લઈને કેન્દ્ર સરકાર અને પીએમ મોદી બંને પર પ્રહારો કરી રહી છે.
શું NSE-SEBI પર કોઈ દબાણ છે: કોંગ્રેસ
કોંગ્રેસ પાર્ટીએ ગુરુવારે આક્ષેપ કર્યો હતો કે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) કટોકટીગ્રસ્ત અદાણી જૂથ સામે પગલાં લેવામાં નિષ્ફળ રહ્યું છે. આ સાથે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પણ પૂછ્યું હતું કે શું એક્સચેન્જ અને માર્કેટ રેગ્યુલેટરી બોડી સેબી પર અદાણી જૂથ સાથે નરમ રહેવાનું ‘દબાણ’ છે.
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની પાર્ટીની ‘HAHK’ શ્રેણીના ભાગરૂપે અદાણી જૂથ દ્વારા કથિત છેતરપિંડી અંગે સરકારને નિશાન બનાવવા માટે ત્રણ પ્રશ્નોના જવાબ આપવા જણાવ્યું છે.
પીએમ મોદીને પૂછવામાં આવ્યો સવાલ
જયરામ રમેશે આક્ષેપ કર્યો હતો કે ભારતીય મૂડી બજારોનું રક્ષણ કરવામાં સેબી જેવા બજાર નિયંત્રકોની નિષ્ફળતાએ તેમની છબીને કલંકિત કરી છે અને દેશના નાણાકીય બજારોની અખંડિતતા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. વડા પ્રધાનને સંબોધિત કરેલા તેમના એક નિવેદનમાં રમેશે કહ્યું, ‘તમે (વડાપ્રધાન) ભૂતકાળમાં કડક શબ્દોનો ઉપયોગ કર્યો છે. આર્થિક ગુનેગારો માટે સુરક્ષિત આશ્રયસ્થાનોને ખતમ કરવા માટે, તમે G-20 મીટિંગમાં વિશ્વના નેતાઓને આવા આરોપીઓને પ્રત્યાર્પણ કરવા અપીલ કરી હતી જેઓ જટિલ આંતરરાષ્ટ્રીય નિયમોનો ફાયદો ઉઠાવી રહ્યા હતા અને ભ્રષ્ટાચાર કરી રહ્યા હતા. પરંતુ એવું લાગે છે કે એજન્સીઓ પર દબાણ છે અને આવા લોકો પ્રત્યે વિશ્વના નેતાઓનું વલણ પણ શંકાસ્પદ દેખાઈ રહ્યું છે.
જેપીસી તપાસ પર વિપક્ષ અડીખમ
યુએસ સ્થિત શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અબજોપતિ ગૌતમ અદાણીની કંપનીઓ સામે કરવામાં આવેલા છેતરપિંડી અને હેરાફેરીના આરોપોની સંયુક્ત સંસદીય સમિતિની તપાસ અથવા સુપ્રીમ કોર્ટ દ્વારા દેખરેખ હેઠળની તપાસની માગણી પર વિપક્ષ અડગ છે. જોકે અદાણી ગ્રુપે આ આરોપોને નકારી કાઢ્યા છે. જ્યારે વિપક્ષી નેતાઓનું કહેવું છે કે અદાણી જૂથના શેરમાં મંદી એ એક મેગા કૌભાંડ છે જેમાં સામાન્ય લોકોના નાણાંનું રોકાણ કરવામાં આવ્યું છે અને જાહેર ક્ષેત્રની LIC અને SBIએ તેમાં રોકાણ કર્યું છે.