આવતીકાલે ગુજરાતની 26 સહિત 115 બેઠક માટે મતદાન થવાનું છે. ચૂંટણી પંચ મતદાન માટે સુસજ્જ થઈ ગયું છે. ગુજરાતના પોલીંગ સ્ટેશનો પર મતદાનની તમામ પ્રકારની વ્યવસ્થાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આવતીકાલે સવારે સાત વાગ્યાથી સાંજ 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, ત્રીજા તબક્કાના મતદાન માટે ગઈકાલે સાંજે પાંચ વાગ્યાથી પ્રચાર સમાપ્ત થયો હતો અને ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા હતા.
લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ રહી છે ત્યારે આવતીકાલે ત્રીજા તબક્કામાં 14 રાજ્યોની 115 બેઠક પર ૨૩મી એપ્રિેલ એટલે કે આવતીકાલે મતદાન થશે. ગુજરાતની 26 બેઠક સહિત ત્રીજા તબક્કામાં સૌથી વધુ કુલ 115 બેઠક પર મતદાન યોજાશે. કેરળમાં 20, મહારાષ્ટ્ર 14, કર્ણાટકમાં 14, ઉત્તર પ્રદેશમાં 10, છત્તીસગઢમાં 7, ઓડિશામાં 6, બિહાર 5, પશ્ચિમ બંગાળમાં 5 આસામમાં ચાર, ગોવામાં બે, જમ્મુ અને કાશ્મીર, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ તથા ત્રિપુરામાં એક-એક બેઠક માટે મતદાન થશે.
ત્રીજા તબક્કામાં કુલ 1594 ઉમેદવારો મેદાનમાં છે જેમાં 142 મહિલા ઉમેદવાર છે. 1594 ઉમેદવારો પૈકી 340 ઉમેદવાર ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. કેરળની વાયનાડ બેઠક પરથી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી ભાજપના પ્રમુખ અમિત શાહ, અનંતકુમાર હેગડે, સંબિત પાત્રા અને શશી થરૂરનું ભાવિ નક્કી થવાનું છે, ત્યારે આ તબક્કામાં ઉત્તર પ્રદેશમાં 10 બેઠકો પર થનારા મતદાનમાં ગઠબંધનની મજબૂતી સાથે પારિવારિક સંબંધોની પણ કસોટી થવાની છે. કેમ કે 10 બેઠકોમાંથી 9 બેઠક પર સપાના ઉમેદવાર મેદાનમાં છે. મુલામયસિંહ યાદવ, સંતોષ ગંગવાર, આઝમ ખાન, જયાપ્રદા, વરૂણ ગાંધી, શિવપાલ યાદવ જેવાં દિગ્ગજોની પરીક્ષા થશે.
ત્રીજા તબક્કામાં 230 ઉમેદવાર સામે ગંભીર ગુના નોંધાયેલા છે. 14 ઉમેદવાર એવા છે જે દોષિત સાબિત થઇ ચૂકયા છે. ઉપરાંત 392 ઉમેદવાર કરોડપતિ છે. સૌથી વધુ ભાજપના 84 ઉમેદવાર કરોડપતિ છે. સમાજવાદી પાર્ટીના દેવેન્દ્રસિંહ યાદવ સૌથી વધુ 204 કરોડની મિલ્કત ધરાવે છે. તો 11 ઉમેદવારોએ તેમની મિલ્કત શૂન્ય દર્શાવી છે.
ગુજરાતમાં, વિધાનસભાની ચાર બેઠક માટે પેટા-ચૂંટણી પણ મંગળવારે જ થવાની છે. રાજ્યમાં આશરે 4 કરોડ 47 લાખ મતદારો છે. એમાં 2 કરોડ 14 લાખ મહિલાઓ છે. 11 એપ્રિલે પહેલા રાઉન્ડ વખતે 20 રાજ્યોના 91 મત વિસ્તારમાં 69.45 ટકા મતદાન થયું હતું. 18 એપ્રિલે બીજા રાઉન્ડ વખતે 11 રાજ્યો અને પોંડુચેરી કેન્દ્રશાસિત પ્રદેશમાં સરેરાશ 69.43 ટકા મતદાન થયું હતું.