હરિયાણા વિધાનસભાની ચૂંટણીનાં આજે આવી રહેલા પરિણામોમાં ત્રિશંકુ વિધાનસભાના એંધાણ મળતાં સત્તાની ચાવી જેજેપીના દુષ્યંત ચૌટાલાના હાથમાં આવી ગઇ હતી. બહુ ઓછા લોકો આ નેતાને જાણતા હશે. આવો, પરિચય કરીએ દુષ્યંત ચૌટાલાનો. એક સમયે દેશના નાયબ વડા પ્રધાન રહી ચૂકેલા અને તાઉના હુલામણા નામે જાણીતા ચૌધરી દેવીલાલના પ્રપૌત્ર એવા દુષ્યંતે 2014 માં પહેલીવાર પોલિટિક્સમાં ઝુકાવતાં લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. એમણે કુલદીપ બિશ્નોઇ જેવા પીઢ નેતાને હરાવીને સાવ નાની વયે સાંસદ બનવાનું બહુમાન મેળવી લીધું હતું.
દુષ્યંત દેવીલાલના પુત્ર ઓમ પ્રકાશ ચૌટાલાના પૌત્ર છે. 21મી ઓક્ટોબરે થયેલી વિધાનસભાની ચૂંટણીનાં આજે જાહેર થઇ રહેલા પરિણામોમાં દુષ્યંતના પક્ષને દસથી વધુ બેઠકો મળી હતી. જેના પગલે તેમના હાથમાં હુકમનું પાનું આવી ગયા જેવી સ્થિતિ સર્જાઇ હતી. ભાજપ કે કોંગ્રેસ જેને સરકાર બનાવવી હોય એણે દુષ્યતનો ટેકો લેવો પડશે. કોંગ્રેસે એવા અણસાર આપ્યા હતા કે એ દુષ્યંતને મુખ્ય પ્રધાનપદ આપવા તૈયાર છે. આજનાં પરિણામોએ ભાજપને જોરદાર આંચકો આપ્યો હતો.