ગાંધીનગર : લોકસભા 2019ની ચુંટણીને લઈને રાજકીય પાર્ટીઓ વિવિધ રાજ્યોમાં પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારવાની તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે પ્રવીણ તોગડિયાના ‘હિન્દુસ્થાન નિર્માણ દળ’ ( HND – પાર્ટી) દેશના 12થી વધુ રાજ્યોમાં ચૂંટણી લડશે એવી જાહેરાત કરવામાં આવી છે. ‘અબકી બાર હિન્દુત્વ કી સરકાર’ના નારા હેઠળ ‘હિન્દુસ્થાન નિર્માણ દળ’ તરફથી દેશની 100 બેઠકો પર પોતાના ઉમેદવારોને ચૂંટણીના મેદાને ઉતારવાનું નક્કી કરવામાં આવ્યું છે. એચએનડી પાર્ટીએ પાણીની ટાંકીનું ચુંટણીનું નિશાન રાખ્યું છે. પાર્ટીએ શુક્રવારે ઉત્તરપ્રદેશની 19, ગુજરાતની 9, આસામની 7, ઓરિસ્સાની 5 અને હરિયાણાની 1 એમ કુલ 41 સીટના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે છે. બાકીના ઉમેદવારોના નામની જાહેરાત આગામી યાદીમાં કરવામાં આવશે.
આજે જાહેર કરાયેલી યાદીમાં ગુજરાતની 26માંથી 9 લોકસભા બેઠકો માટે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ ગુજરાત પ્રદેશના પદાધિકારીઓના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી. પાર્ટી તરફથી ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, કચ્છ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જુનાગઢ, પંચમહાલ અને દાહોદ બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાતના ઉમેદવારની યાદી
બેઠક ઉમેદવારનું નામ
ગાંધીનગર અમરીશ પટેલ
અમદાવાદ પૂર્વ ઋષિ વેકરિયા
અમદાવાદ પશ્ચિમ રતી.કે.ચૌહાણ
કચ્છ પ્રવીણ ચાવડા
જૂનાગઢ ગોપાલ મોવલિયા
સાબરકાંઠા હસમુખ પટેલ
સુરેન્દ્રનગર દારજી દેકાવાડિયા
દાહોદ રામસંગ કાલારા
પંચમહાલ વિજયસિંહ રાઠોડ
ઉલ્લેખનીય છે કે, ‘હિન્દુસ્થાન નિર્માણ દળ’ ના 41 ઉમેદવારોની યાદી સામે આવી છે અને ટૂંક સમય બાદ બાકીના ઉમેદવારોની યાદી પણ સામે આવશે. પરંતુ પ્રવીણ તોગડિયા પોતે લોકસભાની ચુંટણી લડશે કે નહીં તે અંગે વિવિધ ચર્ચા ચાલી રહી છે. જોકે, આ સવાલનો જવાબ આપતા તોગડિયાએ જણાવ્યું કે, “મહિનાના અંતમાં યુપીમાં મળનારી પદાધિકારીઓની બેઠકમાં કાર્યકરો સાથે બેસીને ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ હું ચુંટણી લડીશ કે કેમ્પેઈન કરીશ તેનો નિર્ણય લેવામાં આવશે.” કાર્યકરો તરફથી તોગડિયાને અયોધ્યા, મથુરા અને વારાણસીની બેઠકો પરથી ઉમેદવારી કરવાની સલાહ આપવામાં આવી રહી છે, પરંતુ હાલ આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.