સુરતના અમરોલી વિસ્તારમા ભાજપના મહિલા ઉમેદવાર દર્શના જરદોષના ચૂંટણી કાર્યાલયનું ઉધ્ધાટન કરવા આવેલા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસને ખૂલ્લેઆમ ધમકી આપી હતી અને અભદ્ર ભાષા સહિત સીધી ગાળ પણ બોલ્યા હતા. જીતુ વાઘાણી દ્વારા આપવામાં આવેલી ધમકીના ઘેરા પ્રત્યાઘાત પડવાની શક્યતા છે.
સુરતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું કે કોંગ્રેસને કહું છું કે તાકાત લગાડી દેજો, અંધાધૂંધીને અરાજકતા ફેલાવવા નીકળ્યા છો. સુરતની અંદર સીધા પહોંચી નથી શકતા તો તોફાન કરો છો. રાજ્યમાં સીધું જીતી શકતા નથી એટલે દાદાગીરી અને લુખ્ખીગીરી કરવા નીકળ્યા છો.
તેમણે કહ્યું કે હું ભાજપના પ્રમુખ તરીકે કહું છું કે અમારે કોઈને છેડવા નથી પણ અમને છેડશો તો તમને છોડશું નહીં. મહેરબાની કરીને. જે સમય હતો તમારો, એ સમય ગયો. લોકો શાંતિથી ચૂંટણી લોકશાહી ઢબે લડવા માંગે છે.
સીધી ધમકી આપતા તેમણે કહ્યું કે એક બનાવ બન્યો છે બીજો બનાવ બનશે તો તમને સુરત મૂકાવતા પણ અમને વાર નહીં લાગે. ચૂંટણીઓ શાંતિથી થવા દો. જેને જ્યાં મત દેવો છે ત્યાં મત દેવા દો. ફ્રેન્ડલી લડો. પણ લોકોના આશિર્વાદ નથી એટલે નહીં લડે અને એટલા માટે અંધાધૂંધી ફેલાવશે. હું રાજ્યની જનતાને અહીંયાથી ચેતવવા માંગું છું કે ઓળખી લેજો આવા હરામજાદાઓને. જેના મનમાં પાપ છે, જેને લોકોને હેરાન જ કરવા છે, પરેશાન જ કરવા છે એવા લોકોને ઓળખીને કમળના નિશાન પર ખોબલે ખાબલે વોટ આપવા વિનંતી કરું છું.
અત્રે ઉલ્લેખનીય છે કે ફોર્મ ભરવાના દિવસે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સુરત કલેક્ટર કચેરી ખાતે ધર્ષણ થયું હતું અને તેમાં મહિલા કાર્યકરોએ બાથમબાથી કરી હતી. આ કેસમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.