દરેક વખતે મોદીના નામે તરી જવા માંગતા ગુજરાત ભાજપના નેતાઓને આ વખતે લોકસભાની ચૂંટણીમાં ફિસોટો નીકળી રહ્યો છે. ખાસ્સો એવો પરસેવો પાડવો પડી રહ્યો છે પણ વાજતે-ગાજતે ચૂંટણી થવાના બદલે હલકી કક્ષાની હરકતો અને અભદ્ર ભાષાના છેલ્લી કક્ષાના દૌરમાં ચૂંટણી પ્રચાર પહોંચી ગયો છે.
હાર્દિક પટેલ પર હુમલો અને રેશ્મા પટેલની અધમતાપૂવર્કની છેડતી આ બે બનાવ આજના દિવસે ચૂંટણી પ્રચારને ખતરનાક વળાંક આપનારા બની રહ્યા છે. ભાજપના નેતાઓના ચેહરા પર સ્પષ્ટ રીતે ગભરાટ દેખાઈ રહ્યો છે. ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી પીએમ મોદીની સ્પીચની નકલ કરી દરેક જગ્યાએ પીએમ મોદીની વાતોનું રિપીટેશન કરી રહ્યા છે. તેમની વાતો સાંભળવા લોકો રાજી નથી અને મતદારોમાં તેનો પ્રભાવ પણ પડી રહ્યો નથી.
નીતિન પટેલ અને જીતુ વાઘાણીની સભાઓમાં ભાજપના કાર્યકરો પરાણે-પરાણે હસતું મોઢું રાખી આવી રહ્યા છે. અભદ્ર અને અપશબ્દો બોલવા સુધીની વાઘાણીએ લોકસભાની ચૂંટણીમાં હિમાકત કરી છે. ભાજપના સંગઠનમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિને સંભાળી ન શકાનારા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના રાજકાજમાં ભાજપની જે બૂરી વલે થઈ છે તેને જોતાં ભાજપ માટે લોકસભામાં અણધાર્યા પરિણામો દેખાઈ રહ્યા છે. કોંગ્રેસના સૂપડા સાફ થઈ જવાના દાવા વચ્ચે પર્સનલી આક્ષેપો અને વ્યક્તિગત હુમલામાં ભાજપના નેતાઓને કોંગ્રેસના નેતાઓ પણ હવે આવી જ અલેલટપ્પુ ભાષામાં જવાબો આપી રહ્યા છે.
ગુજરાત ભાજપમા ગભરાટનું કારણ એક જ છે કે જો કોંગ્રેસ ચાર કરતાં વધુ બેઠક લઈ જાય તો ગુજરાત ભાજપમાં પીએમ મોદી બૂલડોઝર ફેરવશે અને સાગમટે સરકાર અને સંગઠનમાં મોટાપ્રમાણમાં ફેરબદલ કરશે અને બધાને ઘરે બેસવાનો વારો આવી શકે એમ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ખરાબ દેખાવ બાદ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે વીટો વાપરીને સરકાર અને સંગઠનને સલામતી કવચ આપ્યું હતું પરંતુ લોકસભાની ચૂંટણીમાં ભાજપનું ગુજરાતમાં ખરાબ પ્રદર્શન ગુજરાત ભાજપના અનેક નેતાઓ માટે રાજકીય ધી એન્ડ સાબિત થવાના વર્તારા લાગી રહ્યા છે.