રાજકોટમાં લોકસભાની ચૂંટણીનો ખાસ્સો એવો ગરમાટો જોવા મળી રહ્યો છે. ભાજપના સાંસદ અને રાજકોટના ઉમેદવાર મોહન કુંડારીયા દ્વારા કોંગ્રેસના સરપંચને દમદાટી આપતો ઓડીયો વાયરલ થતાં ચૂંટણીને લઈ ચર્ચાએ જોર પકડ્યું છે.
રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયા દ્વારા કોંગ્રેસના સરપંચ નાનુભાઈ સાથે ટેલિફોન પર વાત કરવાનો ઓડીયો વાયરલ થયો છે. આ ઓડીયોમાં મોહન કુંડારીયા કોંગ્રેસના સરપંચ નાનુભાઈને કહી રહ્યા છે કે જો આ વખતે 70- 75 ટકા વોટ નહીં મળ્યા તો મંડળીને બંધ કરી દેવામાં આવશે. મોહન કુંડારીયાએ કહે છે કે રસ્તાના કામ માટે ખાંડવા આવો છો તો આ વખતે 70-75 ટકા વોટ નહીં મળે તો મંડળી-બંડળી બધું વહી જાશે. સામે સરપંચ જવાબ આપે છે કે હું કોંગ્રેસનો છું અને આવી રીતે દાટી આપવાની નહીં. પ્રેમથી વાત કરતા હોય તો બરાબર છે, બાકી અત્યારે જ રાજીનામું આપી દઉં.
ઓડીયો વાયરલ થયા બાદ રોજકોટ કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ રિએકશન આપી સોશિયલ મીડિયામાં વીડિયો જારી કરી કહ્યું કે મોહનભાઈનો વીડિયો વાયરલ થયો છે તેમાં કોટડીયા ગામના જિલ્લા પંચાયતના સભ્ય નાનજી દોઢીયાને દાટી આપી રહ્યા છે. મોહનભાઈ પોતે પ્રજાના પ્રતિનિધિ છે અને લોકો કામ લઈને આવે. તેમાં રસ્તા બનાવવાને લઈ નાનજીભાઈને દાટી આપી ભાજપ ગુંડાગીરી કરી રહ્યું છે. ભાજપ ગુંડાશાહી પર ઉતરી આવ્યું છે.