સોશિયલ મીડિયામાં ફિલ્મ અભિનેત્રી અને હાલ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના મૂંબઈ-નોર્થના ઉમેદવાર ઉર્મિલા માર્તોંડકર અંગે મોટાપાયા પર વિરોધી ઉપાડ ચાલી રહ્યો છે. ગઈકાલે ઉર્મિલાની ટીકીટ ફાઈનલ થયા બાદ સોશિયલ મીડિયામાં ઉર્મિલાના લગ્ન જીવનને લઈ ભારે ઉછાળો આવ્યો છે અને તેના પતિ અંગે જોરશોરથી અફવા ફેલાવવામાં આવી રહી છે કે ઉર્મિલાના હસબન્ડ પાકિસ્તાની છે. ખાસ કરીને દક્ષિણપંથી વિચાર ધરાવતા લોકોએ ફેસબૂક અને વ્હોટ્સ અપ ગ્રુપમાં આ અફવા ફેલાવી છે કે ઉર્મિલાના પતિ પાકિસ્તાની બિઝનેસમેન છે.
આવા ગ્રુપ્સમાં ઉર્મિલા અને તેના પતિના ફોટો શેર કરવામાં આવી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે બહુ ઓછો લોકો જાણતા હશે કે ઉર્મિલાના પતિ પાકિસ્તાની બિઝનેસમેન છે. આ બધું જોતાં એવું લાગે છે કે આ મેસેજ કોપી પેસ્ટ કરીને સીધા ફોરવર્ડ કરવામાં આવી રહ્યા છે.
ઉર્મિલા અને તેના પતિ મોહસીન અખ્તર મીર અંગે નેટ પર સંપૂર્ણ માહિતી ડેટા અને ફોટો સાથે ઉપલબ્ધ છે. મોહસીન અખ્તર ભારત પ્રશાસિત કાશ્મીરના રહીશે છે અને તે પાકિસ્તાની નથી. ઉર્મિલા કરતાં 9 વર્ષના નાના મોહસીન કાશ્મીરમાં બિઝનેસ કરતા પરિવારમાંથી આવે છે. આ પરિવારનો એમ્બ્રોઈડરીનો બિઝનેસ છે.
મોહસીનને મોડલીંગનો શોખ હતો અને 21 વર્ષની ઉંમરમાં તે મુંબઈ આવી ગયો હતો. મોહસીને 2007માં મિસ્ટર ઈન્ડીયા સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો.
આ ઉપરાંત 2009માં બોલિવૂડની ફિલ્મ લક બાય ચાન્સમાં મોહસીન અખ્તરે નાનકડો રોલ પણ કર્યો હતો. એવું મનાય છે કે 2014માં ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાની ભત્રીજીના લગ્નમાં મોહસીન અને ઉર્મિલાની મુલાકાત થઈ હતી. 2016માં ત્રીજી માર્ચે સાદા સભારંભમાં બન્નેએ લગ્ન કરી લીધા હતા.
લગ્ન બાદ ઉર્મિલાએ પોતાનો ધર્મ પણ બદલ્યો નથી, એવું મોહસીને જણાવ્યું છે. ઉર્મિલા માટે એવી પણ અફવા ફેલાવવામાં આવી રહી છે કે તે આરએસએસના પ્રમુખ મોહન ભાગવતની ભત્રીજી છે. ઉર્મિલાએ આ વાતનું પણ ખંડન કર્યુ છે. બે દિવસ પહેલા રાહુલ ગાંધીની હાજરીમાં ઉર્મિલા કોંગ્રેસમાં જોડાઈ હતી. કોંગ્રેસે તરત જ તેમને ઉત્તર મુંબઈની ટીકીટ આપી દીધી છે.