રાજકોટઃ ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ રોજે રોજ બનતી રહે છે ત્યારે રાજકોટમાં સંબંધોને લાંછન લગાડનારી શરમજનક ઘટના બની હતી. અહીં બે પુત્રી ઉપર સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યું હતું. મોટી પુત્રીના લગ્ન નક્કી થતાં નાની પુત્રી સાથે બે મહિનાથી દુષ્કર્મ આચરતો હતો. જોકે, આ ઘટનાની જાણ થતાં પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરી હતી.
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરમાં રહેતી પુખ્ય વયની અને આ મહિને જ લગ્ન કરીને સાસરે ગયેલી યુવતી રવિવારે પોલીસ સ્ટેશને પહોંચી હતી. તેની સાથે તેની 14 વર્ષની સગીબહેન પણ હતી, એ બંને ચોધાર આંસુ સાથે પીઆઇ જોષી સમક્ષ રડવા લાગી હતી. પુખ્ય વયની યુવતીએ પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના પિતાનું અવસાન થતાં 14 વર્ષ પહેલાં તેની માતાએ સોહન નામની વ્યક્તિ સાથે લગ્ન કર્યાં હતાં, સોહનને બંને બહેનો પપ્પા કહીને જ બોલાવતી હતી.
ત્રણ વર્ષ પહેલાં એક રાત્રે પિતા તેની પાસે આવ્યો હતો અને મોઢે ડૂમો દઇ તેની સાથે બળજબરી કરીને શરીરસંબંધ બાંધ્યો હતો અને આ અંગે કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી, ધમકીથી પોતે ગભરાઇ ગઇ હતી અને કોઇને આ વાત કરી નહોતી, તેનો સોહને ગેરલાભ ઉઠાવ્યો હતો અને છેલ્લાં ત્રણ વર્ષથી અવારનવાર દુષ્કર્મ આચરતો હતો.
આ મે મહિનામાં જ યુવતીના લગ્ન થયા હતા અને પોતે પોતાના સાસરે જતી રહી હતી. શનિવારે યુવતી પિયર આંટો મારવા આવી ત્યારે તેની 14 વર્ષની નાની બહેને કહ્યું હતું કે તેના પિતા સોહન (ઉં.વ.50) છેલ્લા બે મહિનાથી તેના પર દુષ્કર્મ આચરે છે. નાની બહેનની વાત સાંભળી યુવતી સમસમી ગઇ હતી.
પોતાની તથા માતા અને બહેનની સુરક્ષા માટે ત્રણ-ત્રણ વર્ષથી સાવકા પિતાની હેવાનિયતને મૂંગા મોઢે સહન કરતી હતી, પરંતુ એ પિતા હેવાન બન્યો હતો અને તેના સાસરે ગયા બાદ તેની નાની બહેનને પણ નહીં છોડતાં યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી અને માતાને જાણ કર્યા વગર જ તેની નાની બહેનને સાથે લઇને પોલીસ મથકે પહોંચી ગઇ હતી. યુવતીની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી સોહનને સકંજામાં લીધો હતો.
પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે નરાધમ સોહન તેની સાવકી યુવાન પુત્રી પર ત્રણ વર્ષથી બળજબરી કરતો હતો, પરંતુ તે પુત્રીને સાસરે વળાવવાનું નક્કી થતાં જ તેણે તેની નાની પુત્રી પર નજર બગાડી હતી અને બે મહિનાથી સગીરા સાથે દુષ્કૃત્ય કરતો હતો.