રાજકોટઃ ઘરમાં જુગારધામ ચાલતા પકડાય એ સામાન્ય બાબત છે. રાજકોટમાં છાસવારે જુગારધામ પકડાઈ રહ્યા છે ત્યારે વધુ એક જુગારધામ પકડાયું છે. પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાં રહેણાંક મકાનમાંથી બીયરના ટીન મળી આવતા પ્રોહિબશનનો પણ ગુનો દાખલ કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ ઘર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વોર્ડ નંબર એકમાં આમ આદમી પાર્ટી પક્ષમાંથી ચૂંટણી લડેલા અશ્વિન વલ્લભભાઈ ઠાસરના નાના ભાઈ નિલેશભાઈ વલ્લ્ભાઈ ઠાસરાનું હતું. અને તેઓ આ જુગાર રમાડી રહ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી કે, ધર્મરાજ સોસાયટી શેરી નંબર-1 પાટીદાર ચોકમાં રહેતા નિલેશભાઈ વલ્લભભાઈ ઠાસરા નામનો વ્યક્તિ પોતાના ઘરમાં જુગારધામ ચલાવી રહ્યો છે.
ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો કરતા નિલેશભાઈ વલ્લભભાઈ ઠાસરાના મકાનમાંથી પાંચ જેટલા શખ્સો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચની ટીમે રોકડ રૂપિયા 2,11,000 મોબાઈલ ફોન નંગ-7 તેમજ ગંજીપત્તા સહિત કુલ 4,01,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જુગારધામ ઝડપાઇ ગયા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રહેણાંક મકાનમાં તપાસ કરતા બીયરના 16 જેટલા ટીન મળી આવતા આરોપી નીલેશ વલ્લભભાઈ ઠાસરા વિરુદ્ધ પ્રોહિબિશનનો વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ક્રાઇમબ્રાંચના પીએસઆઇ વનરાજસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે ભૂતકાળમાં આરોપી નીલેશ વલ્લભભાઈ ઠાસરા વર્ષ 2016માં જુગારના કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.