રાજકોટઃ અત્યારે યુટ્યૂબ ઉપર ગૃહિણીઓ રસોઈ શો જોઈને રસોઈ બનાવતા શીખે છે ત્યારે કેટલાક બદમાશો યુટ્યૂબ ઉપર કેવી રીતે ગુનાઓ આચરાય એ અંગે માહિતી મેળવીને શીખતા હોય છે. ત્યારે રાજકોટમાં પણ એક યુટ્યૂબ ઉપરથી શિખીને નકલી નોટો છાપતા યુવકોને ઝડપી પાડ્યા છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે નકલી નોટો બનાવવાની ફેક્ટરીમાં દારૂની મહેફિલ માણતા દબોચી લીધા હતા. શહેરમાં વધુ એક વખત નકલી નોટો છાપવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર ગઢવીએ જણાવ્યું હતું કે, વાવડી વિસ્તારમાં આવેલા કારખાનામાં દોઢ વર્ષથી પ્રિન્ટર મારફતે 2000, 500 તેમજ 200 રૂપિયાના દરની નકલી નોટો છાપવામાં આવી રહી છે. તે બાબતની હકીકત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાવડી ઇન્ડસ્ટ્રીઝ આવેલા વર્કના કારખાનામાં દરોડો પાડી નકલી નોટો છાપતાના મૂળ જૂનાગઢના મેંદરડાના સમઢીયાળા ગામ ના પિયુષ બાવનજીભાઇ કોટડીયા તેમજ માણાવદરનાં સરદારગઢ ગામના મુકુંદ મનસુખભાઈ છત્રાળા ને ઝડપી લીધા હતા.
પોલીસે ઘટના સ્થળ પરથી એક પ્રિન્ટર રૂપિયા 2000ના દરની 20 નોટ, 500ના દરની 1 નોટ જ્યારે કે રૂપિયા 200 ના દરની 6 નકલી નોટો ઝડપી પાડી છે. તો સાથે જ બે રાઈટિંગ પેડ, સેલોટેપ, કલર, ફૂટપટ્ટી, રોકડ રકમ, બે ફોન અને રો મટીરીયલ સહિત 21,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
કારખાનામાં ઝડતી દરમિયાન દારૂની 36 બોટલ મળી આવતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રોહીબીશન નો અલગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં નકલી નોટો છાપનાર બંને આરોપીઓ છેલ્લા દોઢેક વર્ષથી નકલી નોટો છાપતા હોવાનું તેમજ અંદાજે એકાદ લાખથી વધુની નકલી નોટો બજારમાં વટાવી ચૂક્યા ની કબુલાત આપી છે.
આરોપીઓ youtube માં જાલીનોટ સર્ચ કરી નકલી નોટ કેવી રીતે બને તે અંગેની માહિતી મેળવી હતી બાદમાં નકલી નોટો છાપવાનું શરૂ કર્યાનું જણાવ્યું છે. આરોપીઓ મોટાભાગે અંધારામાં મોટી ઉંમરના લોકોને નકલી નોટો પર આવતા હતા. મોટી ઉંમરના શાકભાજીવાળા કે અન્ય વેપારી હોય તેવા લોકોને જ આ બંને આરોપીઓ નિશાન બનાવતા.
2000ની નોટમાંથી 500થી 700 રૂપિયાની અને 500ની નોટમાં 150થી 200 રૂપિયાની વસ્તુની ખરીદી કરતા હતા. આરોપીઓએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું છે કે તેઓ એક વખત બનાવેલી નોટ હટાવી લીધા બાદ જ બીજી નોટ બનાવતા હતા.