ગુજરાતમાં અમુક વિસ્તારોને બાદ કરતાં ભારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, જ્યારે રાજકોટના જામકંડોરણા પાસે ફોફલ નદીનો પુલ પૂરના કારણે ધરાશાયી થયો છે. પુલ ધરાશાયી થતા વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ જિલ્લામાં ગુરુવાર સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રાજકોટ જિલ્લાના જામકંડોરણા નજીક ફોફલ નદી પરનો પુલ નદીઓમાં પાણીના પ્રવાહમાં વધારો થવાને કારણે તૂટી પડ્યો હતો. જેના કારણે જામકંડોરણાથી ગોંડલ જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. આ પુલ ગોંડલના અંદાજિત 10 થી 15 ગામોને જામકંડોરણા સાથે જોડે છે. જોકે હવે ગામડાઓ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. પુલ ધરાશાયી થયાની જાણ થતા જ મામલતદાર અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જ્યારે પોલીસે મુસાફરોને રોકીને પુલ પરથી અન્ય માર્ગે વાળ્યા હતા.
રાજ્યમાં ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સર્વત્ર વરસાદ પડશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપીમાં પણ ભારે વરસાદની આગાહી છે. માછીમારોને પાંચ દિવસ સુધી દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે.