ટીકટોકનો નશો લોકો પર ચઢયો છે. ઘણા લોકો ટીકટોક વિડિયો બનાવીને સોશ્યલ મીડિયા પર ફેમસ થઇ રહ્યા છે. હાલમા સોશ્યલ મીડિયા પર એક ટીકટોક વિડિયો વાઇરલ થયો છે. જેમા આરોપીઓએ પોલિસ સ્ટેશનમા ટીકટોક વિડિયો બનાવ્યો છે.
અત્યાર સુધી તો ગુજરાતના પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા બનાવવામાં આવતા ટીકટોક વીડિયો જ સામે આવ્યા છે. પણ હવે પોલીસની જ ઘોર બેદરકારીના પગલે લુખ્ખા આરોપીઓ ખુલ્લા મને પોલીસ સ્ટેશન જ્યારે તેમનું ઘર હોય તેમ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મુકી રહ્યાં છે.
પોલીસ સ્ટેશનનું નામ સાંભળતાં જ લોકોનાં પગ પાણી પાણી થઇ જતાં હોય છે. ત્યારે પોલીસ સ્ટેશનમાં ટીકટોક વીડિયો બનાવવાનો સીધો મતલબ છે કે ગુનેગારોને પોલીસનો ડર નથી રહ્યો.
બનાસકાંઠાના લાખણી આગથળા પોલીસ સ્ટેશનની ઘોર બેદરકારી સામે આવી છે. મારામારીના કેસમાં અટકાયત કરેલા ચાર યુવકોએ પોલીસ સ્ટેશનમાં જ ટિક્ટોક વિડીયો બનાવ્યો હતો અને તે વિડીયો વાયરલ થતા પોલીસ બેડામાં અફરાતફરી સર્જાઈ છે.
ચાર આરોપીઓ બેખૌફ છે જાણે પોતાનાં ઘરમાં હોય તેમ અને કાયદા અને વ્યવસ્થાનાં લીરા ઉડાડતાં નજરે પડ્યાં છે. તેઓએ બનાવેલાં ટીકટોક વીડિયોમાં તેઓ ‘ઈલાકા અપૂનકા, કાનૂન અપૂનકા કાટ ડાલેગા’ નાં ડોયલોગ બોલતાં નજરે પડે. સાથે સાથે બેગ્રાઉન્ડમાં મ્યૂઝિક સંભળાય છે. તેમનાં ચહેરા પર જરાય આરોપી તરીકેનો ભાવ નથી.પોલીસ સ્ટેશનમાં ગુનામાં પકડાયાનો ડર નથી.
કાનનૂની મજાક ઉડાવી રહેલા આરોપીઓનો આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. આ બેદરકારીના કારણે પોલિસ સ્ટેશનના અધિકારીઓ સામે કાનુની કાર્યવાહી થઇ શકે છે.
પોલીસ સ્ટેશનમાં જ ટીક ટોક વીડિયો બનાવનારાં ચારેય યુવકો સામે પોલીસે ફરિયાદ નોંધી છે. જ્યારે સવાલ એ પણ છે કે જ્યારે કોઇ પણ આરોપી પકડાયે ત્યારે તેની પાસે કોઇ પણ વસ્તું આરોપીઓ પાસે રાખવા દેવામાં આવતી નથી. ત્યારે આરોપીઓ પાસે મોબાઇલ કેવી રીતે રાખવામાં આવ્યો હતો? ત્યારે એ પ્રશ્ન લોકોના મનમાં ચર્ચાઈ રહ્યો છે કે યુવકો પોલીસ સ્ટેશનમાં વિડીયો બનાવી રહ્યા હતા ત્યારે પોલીસ ઊંઘી રહી હતી કે શું?